જૂનાગઢ: 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે જે રીતે ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હતો. તે જ પ્રકારે હવે 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે ફરી એક વખત ભાજપનું ઓપરેશન લોટસ સક્રિય જણાઈ રહ્યું છે. પાછલા એક અઠવાડિયામાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
હવે ભાજપની રડારમાં કોણ ? બે ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ પાસે 16 અને આમ આદમી પાર્ટી પાસે 4 ધારાસભ્યો બચ્યાં છે. પક્ષ છોડી ચુકેલા ધારાસભ્યો કમુરતા બાદ ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે. ત્યારે આગામી સમયમાં ભાજપની રડારમાં વધુ કોંગ્રેસના ધારાસભ્યો હોઈ શકે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. જો કે જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકમાં આવતા સોમનાથ અને માણાવદરના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અરવિંદ લાડાણીએ ભાજપમાં જોડાવાની તમામ શક્યતાઓ પણ પૂર્ણવિરામ મૂક્યુ છે.
મતદારોનો વિશ્વાસ નહિ તોડીએ: કોંગ્રેસ ધારાસભ્ય
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ETV ભારત સાથે ટેલિફોનિક એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અમે કોંગ્રેસ પાર્ટીના મેન્ડેડ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. અમારા મતવિસ્તારના મતદારોએ અમારા પર ભરોસો મૂકીને ધારાસભ્ય તરીકે પસંદ કર્યા છે. આવી પરિસ્થિતિમાં અમે પાર્ટીનું કે અમારા પર મતદારોએ જે વિશ્વાસ અને ભરોસો વ્યક્ત કર્યો છે. તેને તોડવા જેવું હલકું કામ ક્યારેય નહીં કરીએ. અમે પહેલેથી જ કોંગ્રેસ અને પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે. જ્યાં સુધી રાજકારણમાં રહીશું ત્યાં સુધી કોંગ્રેસમાં રહીને લોકોના કામો કરતાં રહીશું.