જૂનાગઢઃ આજે સમગ્ર દેશમાં વસંત પંચમીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે ધામધૂમ પૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. વિષ્ણુ ભગવાનના આદેશને પગલે બ્રહ્માજીએ સૃષ્ટિ પર મા સરસ્વતીનું અવતરણ કર્યું હતું, ત્યારથી વસંત પંચમીના દિવસે મા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે મા સરસ્વતીનો પૂજનનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. આજના દિવસે મા સરસ્વતી પર પીળા રંગના વાઘા અને પુષ્પ દ્વારા પૂજન કરવાનું ખાસ મહત્વ ધાર્મિક ગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે, તે મુજબ આજે જૂનાગઢના સરસ્વતી મંદિરને પીળાં પુષ્પો અને માતાને વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
વસંત પંચમીના દિવસને ભારતનો વેલેન્ટાઈન ડે પણ માનવામાં આવે છે. આજના દિવસે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે અને આજ દિવસે પીળા રંગના પુષ્પ વિશેષ પ્રમાણમાં થયેલા જોવા મળે છે જેને કારણે સમગ્ર સૃષ્ટિ પર પીળા રંગની ચાદર આચ્છાદીત થઈ હોય તેવો માહોલ પણ આજના દિવસે જોવા મળે છે. આજના દિવસે મા સરસ્વતીની સાથે કામદેવના પૂજનનું પણ મહત્તમ હોવાનુ આપણા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વસંત પંચમીના દિવસે બાળકોના 12 સંસ્કારો પૈકી બે સંસ્કારોનું આજથી શુભ શરૂઆત થાય છે. નવજાત બાળકોને આજેથી અન્ન સંસ્કાર આપવાની વિશેષ પરંપરા પ્રાચીન કાળથી જોવા મળે છે. આજના દિવસે અન્ન સંસ્કાર આપવામાં આવેલું બાળક તેના સમગ્ર જીવનકાળ દરમ્યાન નિરોગી અને તંદુરસ્ત રહે તેવી માન્યતા આજે પણ જોવા મળે છે, તો બીજી તરફ આજના દિવસે બાળકને વિદ્યા અભ્યાસ સંસ્કાર આપવાની પણ એક પરંપરા છે. આજના દિવસે આપવામાં આવેલા વિદ્યા સંસ્કારથી બાળક મેઘાવી અને બુદ્ધિમાન બને છે, જેથી આજના દિવસને વિદ્યા સંસ્કારના દિવસ તરીકે પણ વસંત પંચમીને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે