જૂનાગઢઃ શહેરમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત રામનવમીના દિવસે કોઈ વિશેષ આયોજન નહીં કરીને બિલકુલ સાદાઈથી રામ જન્મોઉત્સવને મનાવવામાં આવ્યો હતો.
કોરોના વાઈરસના વધતાં જતાં વ્યાપની વચ્ચે રામ જન્મોઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષની શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જૂનાગઢમાં આવેલા રામજી મંદિરમાં પૂજારી દ્વારા આરતી કરવામાં આવી હતી અને આ સમયે માત્ર બે જ ભક્તજનોની હાજરી મંદિર પરિસરમાં જોવા મળી હતી.
દર વર્ષે રામજી મંદિરથી ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં જૂનાગઢવાસીઓ જોડાઈને ભગવાન રામચંદ્રજીના જન્મોઉત્સવને ભારે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાઈરસના પગલે શોભાયાત્રા સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. માત્ર બપોરના સમયે આરતી કરીને ભગવાન રામચંદ્રજીના જન્મોઉત્સવને મનાવવામાં આવ્યો હતો.