જુનાગઢ: રાજ્યમાં ફરી એક વાર લૂંટેરી દુલ્હનની ગેંગ સક્રિય થઈ હોય તેવી ગતિવિધિ પ્રકાશમાં આવી છે. તેથી એકલવાયુ જીવન જીવતા કે પછી લગ્ન કરવા ઈચ્છુક પુરૂષો માટે ફરી એક વખત સાવચેતી જ સલામતી સમાન છે. લગ્ન કરીને લોકો સાથે વિશ્વાસ ઘાત કરી રોકડ સહિત સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ જતી એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો જુનાગઢમાંથી સામે આવ્યો છે. જુનાગઢના મધુરમ વિસ્તારની નાગરિક બેંક સોસાયટીમાં રહેતા નિવૃત અંધ શિક્ષકની આ લૂંટેરી દુલ્હનની છેતરપિંડીનો ભોગ બન્યા છે, તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોતાની આપવીતી જણાવી હતી. ફરિયાદના આધારે જુનાગઢ પોલીસે ભેસાણ,પોરબંદર અને મહેસાણાના એક પુરુષ અને બે મહિલાઓની અટકાયત કરી છે, ઝડપાયેલા લૂંટેરી દુલ્હનના સાગરીતોના માધ્યમથી હવે પોલીસે મુખ્ય આરોપી આશા ગુપ્તા નામની અમદાવાદની મહિલાને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વપૂર્ણ છે કે, જુનાગઢના અંધ નિવૃત શિક્ષક સાથે લગ્ન કરીને તેમની સાથે છેતરપિંડી કરનાર આ લૂંટેરી દુલ્હનનું નામ આશા ગુપ્તા હોવાનું અને તે અમદાવાદની રહેવાશી હોવાનું જાણવા મળ્યું છે.
3 આરોપીની પોલીસ પકડમાં: નિવૃત્ત શિક્ષકની ફરિયાદના આધારે જુનાગઢ પોલીસે ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામના યુનુસ વીસળ, પોરબંદરના પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતી મીનાબેન બાપોદરા અને મહેસાણાના કડી શહેરમાં રહેતી નુરી ખુરેશી નામના 1 પુરૂષ અને બે મહિલાઓની અટકાયત કરી છે. જોકે, મુખ્ય આરોપી અને લગ્ન વાંચુકો સાથે લગ્ન કરીને ફરાર થઈ જતી અમદાવાદની આશા ગુપ્તા હાલ પોલીસ પકડથી દૂર છે જેને પકડી પાડવા માટે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
આરોપીની મોડસ ઓપરેન્ડી: મુખ્ય આરોપી આશા ગુપ્તા અને તેના અન્ય ત્રણ મદદગારો લગ્ન વાચ્છુક શિકારને શોધીને તેની સાથે છેતરપિંડી કરવાનું કાવતરું રચી રહ્યા હતા. આ દરમિયાન જૂનાગઢના અંધ શિક્ષકને આશા ગુપ્તાએ લગ્ન કરવાની લાલચ આપી, સૌ પ્રથમ આશાએ પુનઃ લગ્ન નોટરી અને લગ્ન માટેના ખર્ચ પેટે શિક્ષક પાસેથી 1 લાખ 30 હજાર રોકડ રકમ પડાવી લીધી હતી. ત્યાર બાદ લગ્ન કરીને પાંચ દિવસ બાદ ફરિયાદી શિક્ષકના ઘરમાં રહેલા 60,000ના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.
લૂંટેરી દુલ્હનને ઝડપવા પોલીસની કવાયત: સમગ્ર મામલામાં નિવૃત્ત શિક્ષક કોઈ છેતરપિંડીના ભોગ બન્યા છે, તેવું જણાતા જુનાગઢ સી ડિવિઝન પોલીસ મથકે આશા ગુપ્તા અને તેના સાગરિતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો સી ડિવિઝન પોલીસ મથક દ્વારા લૂંટેરી દુલ્હનના ઝડપાયેલ ત્રણ સાગરીતો પાસેથી વધુ વિગત મેળવીને મુખ્ય આરોપી મહિલા આશા ગુપ્તાને પકડવા માટે જૂનાગઢ જિલ્લા પોલીસે તપાસ ટીમો બનાવીને કવાયત હાથ ધરી છે.