- આજે તલ મગ તુવેર અને ધાણાની ખરીદ પ્રક્રિયા હાથ ધરાઈ
- કોરોના સંક્રમણ ના દિશાનિર્દેશોનું પહેલા દિવસે કરાયું ચુસ્ત પાલન
- એક મહિના બંધ રહ્યા બાદ જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ આજથી ફરી થયું પૂર્વવત
જૂનાગઢ: કોરોના સંક્રમણને કારણે અંદાજિત એક મહિના કરતાં વધુ સમયથી બંધ રહેલું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આજથી ફરી એક વખત પૂર્વવત બની રહ્યું હતું આજે સવારે માર્કેટિંગ યાર્ડ માં તલ મગ દાણા અને તુવેરની ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન સરકાર દ્વારા જે કોરોનાની ગાઈડલાઈનનું પાલન પણ થતું જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માલની આવકો શરૂ થઇ
જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત પૂર્વવત બનતું જોવા મળ્યું
કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ પાછલા એક મહિનાથી બંધ જોવા મળતુ હતુ. ત્યારે રાજ્ય સરકારે આપેલા હળવા નિયંત્રણો બાદ આજથી જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત પૂર્વવત બનતું જોવા મળ્યું હતું. આજે પ્રથમ દિવસે ઉનાળુ પાક તરીકે તલ અને મગ તેમજ શિયાળુ પાકના ધાણા અને તુવેરની જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. તેનો પૂરતો અમલ થાય તે પ્રકારે આજથી ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કોરોનાને કારણે બંધ કરવામાં આવેલું ધોરાજી માર્કેટિંગ યાર્ડ ફરી થયું ધમધમતું
પ્રથમ દિવસે તલ અને મગની આવક મર્યાદિત જોવા મળી
આજે હરાજી શરૂ થતા પ્રથમ દિવસે તલ અને મગની હરાજી હાથ ધરવામાં આવી હતી જેમાં તલમાં 1700 ની આસપાસ તેમજ મગના 2500 કટ્ટાની સરેરાશ આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ હતી. તલના બજાર ભાવ નીચામાં 1200થી લઈને ઊંચામાં 1800 સુધી બોલાયા હતા. જ્યારે મગના બજાર ભાવ નીચામાં એક હજારથી લઈને ઊંચામાં 1375 સુધી બોલાયા હતા. આગામી દિવસોમાં હજુ પણ કેટલીક કૃષિ જણસોની લે-વેચ માટે ખરીદ પ્રક્રિયા હાથ ધરાઇ શકે છે.