જૂનાગઢમાં વેપારી મહામંડળની બેઠક મળી હતી. જેમાં સમગ્ર રાજ્યના પદાધિકારીઓ અને વેપારીઓએ હાજરી આપીને તેમના પડતર પ્રશ્નો અને તેમને પડી રહેલી મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી. જીએસટી લાગુ થયાને એક વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં હજુ સુધી વેપારીઓને ટેક્સને લઈને કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે. તેમ છતાં તેનું આજ દિન સુધી કોઈ હકારાત્મ્ક નિરાકરણ નહિં આવતા વેપારીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.
બીજી તરફ બેંકો દ્વારા વેપારીઓને ધિરાણને લઈને પણ કોઈ ખાશ સગવડ કે વેપારીઓને સરળ રીતે ધિરાણ મળી શકે તેને લઈને મોટા ભાગની બેંકો પાસે કોઈ આયોજન નહિં હોવાનો આક્ષેપ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઈને પણ આ બેઠકમાં ચિંતન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ દેશમાં વ્યાપેલી મંદીને કારણે પણ સમગ્ર વેપાર ધંધાઓ આજે બંધ થઇ રહ્યા છે.
રોજગારીની તકો ઘટી રહી છે. વૈશ્વિક મૂડી રોકાણ ઘટી રહ્યું છે, તેને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી રહી હોવાને કારણે વેપાર ધંધાઓ આજે ઠપ્પ થઇ ગયા છે. જેને કારણે વેપારીઓ ભારે ખોટ સહન કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર તેમના પર ટેક્સનું ભારણ વધારીને વેપારીઓ સામે વધુ મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. જેથી વેપારી આલમમાં નારાજગી જોવા મળી હતી.