જૂનાગઢ: ગત 12 તારીખના દિવસે જુનાગઢ પોલીસે શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ રહેણાંક બહુમાળી ભવનમાંથી આંતરરાષ્ટ્રીય ગેરકાનૂની કોલ સેન્ટર પકડી પાડ્યું હતું. જેમાં આજે વધુ ખુલાસો થયો છે. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના નિરીક્ષણમાં ક્રાઈમ બ્રાન્ચ પી આઈ સમગ્ર મામલામાં તપાસ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં સમગ્ર છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતા bsnlના સાત રાઉટર ફરાર આરોપી ઇન્દ્રજીતસિંહ રાણાના નામ પર હોવાનું સામે આવ્યું છે. વધુમાં આ ત્રણ મહિના દરમિયાન કોલ સેન્ટર થકી અમેરિકન નાગરિકો પાસેથી 04 કરોડ 83 લાખ 25 હજાર અને 45 રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપીના મળ્યા રિમાન્ડ: કોલ સેન્ટરમાંથી પકડાયેલા યુવક અને યુવતીઓના રિમાન્ડ માટે પોલીસે જુનાગઢ કોર્ટમાં રજૂ કરતા પાંચ યુવકના આગામી 16 તારીખ બપોરના ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તો અન્ય પાંચ યુવતીઓના રિમાન્ડ કોર્ટે નામંજૂર કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. જેને લઈને પોલીસ પકડમાં રહેલી પાંચેય આરોપી યુવતીઓને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવી છે.
500 અમેરિકન નાગરિકોને ડેટા: વધુમાં પોલીસ તપાસમાં કોલ સેન્ટરમાંથી પકડાયેલા તમામ આરોપીઓને મોબાઇલની તપાસ કરતા તેમાંથી 500 અમેરિકન નાગરિકોને ડેટા પણ મળી આવ્યો છે. જેને લઈને પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આગામી સોમવાર સુધીમાં નાણાકીય ગેરરીતિ અને છેતરપિંડીને લઈને પણ કેટલાક મહત્વના ખુલાસા થાય તેવી પૂરી શક્યતા છે.