ગીરમાં પાકતી કેરી તેના સ્વાદ અને સોડમને લઈને આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી ચુકી છે. કેસર કેરી આજે કેરીઓમાં એક અદકેરું નામ અને સન્માન મેળવી રહી છે. પરંતુ કેરીના રસિકો માટે આજે એક રસપ્રદ માહિતી લઈને અમે આવ્યા છીએ. કેરીના હબ ગણાતા ગીર પંથકમાં આજે પણ કેસર સિવાય,, દૂધ પેંડો, ખોળી,જમાદાર સહીત 31 જાતની કેરીઓ જોવા મળે છે. જો કે આ 31 જાતની કેરીઓનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવામાં આવતું નથી પરંતુ બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવતા સંશોધનને પરિણામે કેસર સિવાયની કેરીઓ પણ આગામી દિવસોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે.
જૂનાગઢના નવાબ મહોબતખાન બીજા કેરીઓના ભારે શોખીન હોવાનું ઇતિહાસમાં જોવા મળ્યું છે. નવાબના આ શોખને લઈને જે તે સમયે ગીર અને જૂનાગઢ પંથકમાં આવી કેરીઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ફઝલી, નિલેશ્વરી, ખોળી, એપલ, કેપ્ટ્ન, ઝમરૂખીયો, જમાદાર, દુધપેંડો, અષાઢીયો, બજરંગ,વનરાજ,આમિર પસંદ, જહાંગીર પસંદ,નાયલોન,ઓસ્ટીન અને મલ્લિકા જેવી 31 જાતની કેરીઓ આજે જૂનાગઢ અને ગીર પંથકમાં જોવા મળે છે.
આમ માં પણ ખાસ કહી શકાય તેવી,, ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પાકતી આમ્રપાલી, કોકમ અને ગિરિરાજ સહિતની કેટલીક જાતો આજે ગીર અને જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે. કેસર, રાજાપુરી અને હાફુસને બાદ કરતા મોટા ભાગની કેરીનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવામાં આવતું નથી પરંતુ મોટા ભાગની કેરી આજે ગીર અને જૂનાગઢ પંથકના આંબાવાડિયામાં ઝુલી રહી છે.