મેંદરડા: વન્ય જીવ સૃષ્ટિ અને ખાસ કરીને દુર્લભ વન્ય પ્રાણીઓના શિકાર કરવા માટે કેટલીક શિકારી ટોળકી સક્રિય થઈ હોવાની વિગતો મેંદરડા વન વિભાગને પ્રાપ્ત થઈ હતી, તે મુજબ મેંદરડા તાલુકાના દાત્રાણા ગામની ઝૂંપડપટ્ટીમાં રહેતા ચનાભાઇ મકવાણા અને લખમણ મકવાણા નામના બે શિકારીઓને શિકાર કરવાના સાધન તેમજ શિયાળ અને જંગલી ભૂંડના મૃતદેહ સાથે ઝડપી પાડવામાં આવ્યાં હતાં. બંને શિકારીઓને મેંદરડા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આ બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં અને બંને શિકારીઓને વન વિભાગની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. વન વિભાગે પકડાયેલા બંને શિકારીઓ વિરુદ્ધ વન્યજીવ અધિનિયમ 1972 અંતર્ગતની ધારાઓ 09, 39, 50, 51 અને 52ના ભંગ બદલ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે
બે શિકારીઓ ઝડપાયા: મેંદરડા વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરતાં અહીંથી રાંધેલું વન્ય પ્રાણીઓનું માસ, મોર અને તેતરના પીંછાની સાથે શિયાળ અને જંગલી ભૂંડના મૃતદેહો પણ મળી આવ્યાં હતાં. શિયાળ, મોર અને તેતર વન્યજીવ અધિનિયમ અંતર્ગત વન વિભાગની ટીમ હજી તપાસ કરી રહી છે. આ સિવાય પકડાયેલા બંને શિકારીઓ પાસેથી ત્રણ ભાલા, ચાર કુહાડી, એક તલવાર અને જંગલી પ્રાણીઓને ફસાવવા માટેના પાંચ ફાંસલા પણ મળી આવ્યા હતાં. આ મામલે મેંદરડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.વાળા દ્વારા માહિતી આપવામાં આવી હતી.
વન્ય સૃષ્ટિના દુશ્મનો: ગીર જંગલમાં વન્યજીવ સૃષ્ટિની વિવિધતાને કારણે શિકારીઓ એ તેના મલીન ઈરાદાઓને લઈને આ વિસ્તારમાં જોવા મળતા હોય છે, આ અગાઉ પણ કર્ણાટકની ગેંગના કેટલાક સભ્યો વર્ષો પહેલા સિંહના શિકારમાં સંડોવાયેલા જોવા મળતા તેને પકડી પાડવામાં આવ્યા હતા. બે વર્ષ પૂર્વે સુત્રાપાડા નજીકથી પણ ફાંસલામાં ફસાયેલ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો, તે કિસ્સામાં પણ વન વિભાગે 20 જેટલા મહિલા અને પુરુષને સિંહના શિકાર બદલ પકડી પાડ્યા હતા, ત્યારે વધુ બે શિકારીઓ શિકાર કરવાના ઇરાદા સાથે વન્યજીવ પ્રાણીના મૃતદેહ સાથે પકડાયા છે. ત્યારે ફરી એક વખત ગીરના જંગલ પર શિકારીઓનો ડોળો ફરતો થયો છે જે વન્ય સૃષ્ટિ અને વન્ય પ્રેમીઓ માટે ચિંતા સમાન છે.