જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ નિરીક્ષકો ડૉ. હેમાંગ વસાવડા અને એમ.કે.બલોચ દ્વારા ટિકીટની ફાળવણીને લઈને કરવામાં આવેલી મનમાની બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી.
જેને લઈને એક પછી એક કાર્યકરો રાજીનામું આપીને તેમની નારાજગી દર્શાવી રહ્યા છે તો સવારે ટિકીટની જાહેરાત બાદ મહિલા મોરચાના મહામંત્રી નાઝીમા હાલાએ પદ પરથી રાજીનામું આપ્યા બાદ વોર્ડ નંબર 9ના તમામ 3 કોર્પોરેટરોએ પણ રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરાએ પણ પ્રદેશ નિરક્ષકોની સામે ટિકીટની ફાળવણીમાં કરવામાં આવેલી ગેરરીતિ બાદ રોષ ઠાલવીને શનિવારે શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું.
જો કે હજુ સુધી ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ થયો નથી, ત્યાં તો કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ દ્વારા રાજીનામા આપવામાં આવતા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત મુશ્કેલ લાગી રહી છે. આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક કોંગ્રેસના કાર્યકરો તેમના રાજીનામા પ્રદેશ કોંગ્રેશની નેતાગીરીને સુપ્રદ કરે તેવી પણ શક્યતાઓ છે.