જૂનાગઢ: હાલ સમગ્ર રાજ્યમાં સમર કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢ ખાતે પણ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલી 100 જેટલી હેન્ડબોલની મહિલા ખેલાડીઓ વિશેષ તાલીમ મેળવી રહી છે. દિવસ દરમિયાન બે તબક્કામાં આ તાલીમનું આયોજન કરાયું છે જેમાં હેન્ડબોલ સ્પર્ધામાં ખૂબ જ નિષ્ણાત મનાતા કોચ અને ટ્રેનરની સતત હાજરીની વચ્ચે સમર કેમ્પ ચાલી રહ્યો છે. સવાર-સાંજ એમ બે તબક્કામાં હેન્ડબોલ રમતને લઈને મેદાન પર તેમજ માનસિક રીતે હરીફ ટીમો પર કઈ રીતે વિજય પ્રાપ્ત કરી શકાય છે તેને લઈને ઉપસ્થિત 100 જેટલી મહિલા ખેલાડીઓને તાલીમ આપવામાં આવી રહી છે.
'દિલ્હી ખાતે અંડર 19 રાષ્ટ્રીય ખેલ મહાકુંભ આયોજિત થવા જઈ રહ્યું છે. જેમાં ભાગ લેવા માટે કેમ્પમાં આવેલી 16 મહિલા ખેલાડીઓ દિલ્હી ખાતે હેન્ડબોલ સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. આવનારા દિવસોમાં હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતના સુવર્ણયુગને પ્રસ્થાપિત કરશે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલી કંપની મહિલા ખેલાડી દયા ઝાપડિયાએ યુરોપના ઉત્તર મેસેડોનીયા ખાતે હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લીધો છે.' - ગૌરાંગ નર, જિલ્લા રમતગમત અધિકારી
ઉત્કૃષ્ટ તાલીમ: રમત ગમતના કોઈ પણ ક્ષેત્રમાં ખેલાડીઓએ શારીરિકની સાથે માનસિક તંદુરસ્તી પણ આટલી જ જાળવવાની હોય છે. તેના ભાગરૂપે દિવસ દરમિયાન બે તબક્કામાં મહિલા ખેલાડીઓને તાલીમ આપવામાં આવી છે. રમતગમતના ક્ષેત્રમાં ખેલાડીઓના કૌશલ્યથી હરીફ ટીમો પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. મેદાનની અંદર માઈન્ડ ગેમ પણ વિજયને ખૂબ જ મજબૂત બનાવે છે. હરીફ ટીમના ખેલાડીઓને માનસિક રીતે દ્વિધામાં મૂકીને પણ રમતગમતના કૌશલ્ય સાથે કઈ રીતે મેચ પર પકડ જમાવી શકાય તે માટે નિષ્ણાંત કોચ અને ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.