રાધે મંડળની બહેનોએ પોતાના ગામના આત્માના કો-ઓર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ સ્વરોજગારની તાલીમ લીધી જ્યાંથી તેમને સ્વનિર્ભરતા અને ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખીને સ્વરોજગાર મેળવવા માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યા. રાધે મંડળની બહેનોએ અથાણા, પાપડ, જામ, જેલી જેવા ઉત્પાદનો બનાવવાની તેમજ તેને માર્કેટીંગ, વેચાણ વિશેની સમજણ અને તબક્કાવાર તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પોતાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે. જેનાથી તેઓએ પોતાના અને પરિવારના આર્થિક, સામાજિક ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

ગૃહ ઉદ્યોગના સંચાલકશ્ર પાયલબેન કંટારીયાએ કહ્યું હતું કે, આ ગૃહ ઉદ્યોગ અમારુ સ્વપ્નુ છે. અને સ્વપ્ન પાછળ મહેનત કરવાની તૈયારી હતી. આત્મા પ્રોજેક્ટ થકી ખરા સમયે ખરુ માર્ગદર્શન,પ્રોત્સાહન, અમારા જુસ્સાને બળ પુરુ પાડનાર નિવડયું. આત્મા પ્રોજેક્ટના તાલીમ આપનાર ડો.અંજનાબેનના માર્ગદર્શન થકી અમે આગળ આવ્યા છીએ. અત્રે ઉલ્લેખનિય છે કે રાધે ગૃહ મંડળને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ, બેસ્ટ આત્માફાર્મર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

વર્ષ 2018-19માં રાજ્ય બહાર તાલીમમાં 43 ખેડૂતો, જિલ્લા બહાર તાલીમમાં 108 પુરૂષ ખેડૂતો અને 162 મહિલા ખેડૂતો, જિલ્લાની અંદર તાલીમમાં રેસીડન્સીયલમાં 123 પુરૂષો ખેડૂત, 129 મહિલા ખેડૂત, નોનરેસીડન્સીયલમાં 1244 પુરૂષો ખેડૂત અને 923 મહિલા ખેડૂત લાભાર્થીઓને આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા હાલમાં ખેડૂતોને અલગ-અલગ પ્રકારની તાલીમ આપી અને તેમના જીવનમાં પરિવર્તન આવે તેવો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તે ખેડૂતો માટે ખુબ લાભદાયક છે.
