- જામનગરમાં વહેલી સવારે 9.5 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી
- લોકો તાપણાં અને ગરમ વસ્ત્રોના સહારે ઠંડીથી રક્ષણ મેળવતા જોવા મળ્યા
- સ્થાનિકો ઠંડીથી ઠુંઠવાયા
જામનગરઃ કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર શહેરમાં મોસમની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. તાપમાનનો પારો સિઝનમાં પ્રથમ વખત જ સિંગલ ડિઝીટમાં સરકી જતાં શહેરીજનો કાતિલ ઠંડીમાં થથરી ગયા હતા. જામનગર શહેરમાં આજે વહેલી સવારે 9.5 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. રવિવારે ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો હતો.
જયારે પશુ-પક્ષીઓની હાલત અત્યંત કફોડી
24 કલાકમાં જ ઠંડીનો પારો 2.5 ડિગ્રી જેટલો ગગડી જતાં સમગ્ર શહેરમાં કોલ્ડવેવ જેવો માહોલ છવાઇ ગયો હતો. હ્રદય થિજાવતી ઠંડીને કારણે લોકો ઠૂંઠવાઇ ગયા હતા. જયારે પશુ-પક્ષીઓની હાલત અત્યંત કફોડી બની હતી. આમ તો સોમવાર રાત્રીથી જ ઠંડીનો અહેસાસ શરૂ થઇ ગયો હતો. પરિણામે લોકો તાપણાં અને ગરમ વસ્ત્રોના સહારે ઠંડીથી રક્ષણ મેળવતા જોવા મળ્યા હતાં. જે દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ સમગ્ર ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.