જામનગર : જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓની સમસ્યા યથાવત રહી છે. અગાઉ રખડતા પશુઓના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે પંચેશ્વર ટાવર વિસ્તારમાં વધુ એક વાહનચાલક રઝળતા પશુની હડફેટે ચડ્યા હતું. પરંતુ સદનસીબે વાહનચાલકનો બચાવ થયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉપરાંત આ ઘટનાને જનતા તંત્રની લાપરવાહી ગણાવી રહી છે.
રખડતા ઢોરે મારી ટક્કર : જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ભયાનક બનાવ બન્યો છે. અહીંથી પસાર થઈ રહેલા એક વાહનચાલકને અચાનક રસ્તે રઝળતા ઢોરે ટક્કર મારી હતી. જેના કારણે વાહનચાલક રસ્તા પર ફંગોળાઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં ઘટનાને નજરોનજર જોઈને થોડીવાર શ્વાસ થંભી જાય છે.
વાહનચાલકનો જીવ સલામત : જોકે આ બનાવમાં વાહનચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.
પંચેશ્વર વિસ્તારમાં સમસ્યા વકરી : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રસ્તે રઝળતા પશુઓનો અડિંગો વધતો જાય છે. આસપાસના વિસ્તારમાં પશુપાલકોની મોટી વસાહત છે અને તેઓ પાસે સંખ્યાબંધ ઢોર છે. જે તમામ ઢોર પોતાના વાડામાં બાંધવાના બદલે પંચેશ્વર ટાવર સહિતના આસપાસના વિસ્તારમાં છુટા મૂકી દે છે. જેના કારણે અનેક રાહદારીઓ તેમજ વાહનચાલકો રસ્તે રઝળતા પશુઓના કારણે મુશ્કેલીમાં મુકાય છે.
તંત્રની લાપરવાહી ? જામનગર શહેરમાં જાહેર માર્ગો પર અડિંગો જમાવી બેઠેલા રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની લાપરવાહી સામે આવી છે. જોકે જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઢોર પકડ ઝુંબેશ ચાલી રહી છે. છતાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે.