- આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- જામનગરના વોર્ડ નંબર 1ની પરિસ્થિતિ વિશે
- કેટલા કામો થયા અને હજુ કેટલા કામો બાકી
જામનગર : આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે આવો આપણે આજે જાણીએ જામનગરના વોર્ડ નંબર 1ની પરિસ્થિતિ વિશે તેમજ આ વિસ્તારમાં કેટલા કામો થયા અને હજુ કેટલા કામો કરવા જોઈએ. જામનગર શહેરના નોર્થ દિશામાં 1 નંબરનો વોર્ડ આવેલો છે. નવા સીમાંકન બાદ આ વિસ્તારમાં અનેક સોસાયટીઓનો સમાવેશ થયો છે. ત્યારે આ વિસ્તારની વસ્તી વધી અને મતદારો પણ વધ્યા છે. પરંતુ હજુ સુધી આ વિસ્તારના લોકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ મળી નથી.
સાફ સફાઈનો અભાવ હોવાથી જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગજ
જ્યારે ચૂંટણી આવે ત્યારે અહીં સભાઓ સરઘસ કાઢવામાં આવે છે. પણ કામની વાત આવે ત્યારે સતત રાજકીય ઉપેક્ષાનો ભોગ બની રહે છે. આ વોર્ડ વિસ્તારમાં મોટાભાગના લોકો મધ્યમ પરિવારના વસવાટ કરે છે. આમ જોઈએ તો વિકાસ ન કરવામાં આવતા બહારથી લોકોએ ઝૂંપડપટ્ટી બનાવી અહીં વસવાટ શરૂ કર્યો છે. આ વિસ્તારમાં નથી રોડ સારા કે, નથી લોકોને સમયસર પીવાનું પાણી મળતું. સતત ઉભરાતી ખુલ્લી ગટરો અને સાફ સફાઈનો અભાવ હોવાથી જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગજ ખડકાયેલા જોવા મળે છે. આ વિસ્તારમાં પચરંગી વસ્તી રહે છે. ખાસ કરીને બહારના રાજ્યના લોકો પણ રોજગારી માટે અહીં આવીને વસવાટ કરે છે. તો માછીમારો પણ મારા વિસ્તારના માધાપર ભુગા અને જોડિયા ભૂંગા મોટી સંખ્યામાં રહે છે.
રાજકીય નેતાઓએ માત્ર વચનો આપી આજ સુધી વિકાસ નથી કર્યો
આ વિસ્તારમાં રહેલી પ્રજાને ચૂંટણી આવે ત્યારે રાજનેતાઓ વચનો આપી આ પ્રજાને લલચાવે છે. બાદમાં આ વિસ્તારમાં એક પણ રાજનેતા આવતા નથી. 2013થી આ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાઈ આવે છે. રાજકીય નેતાઓએ માત્ર વચનો આપી આજ સુધી વિકાસ કર્યો નથી. જોકે, આ વિસ્તારમાં ધારાસભ્યને સાંસદની ગ્રાન્ટમાંથી રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે, તે પણ હવે બિસ્માર હાલતમાં છે. ત્યારે આ વોર્ડમાં રહેતા રહીશો અનેક પરેશાનીઓનો ભોગ બની રહ્યા છે.
- વોર્ડ નંબર 1ની કુલ વસ્તી
પુરુષ | મહિલા | કુલ |
18952 | 17390 | 36342 |
• વોર્ડ નંબર 1 ના મતદારોની સંખ્યા
પુરુષ | મહિલા | કુલ |
14442 | 12759 | 27201 |
• વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર
1. | જૂબેદા એલિયાસ નોતીયાર |
2. | હુસેનાબહેન અનવરભાઈ સધાર |
3. | ઉમરભાઈ ઓસમાણભાઈ |
4. | કાસમ નૂરમામદ ખફી |
- રાજકીય ઉપેક્ષાનો ભોગ બનેલ વોર્ડ નંબર 1
જામનગરમાં નવા સીમાંકન બાદ આ વોર્ડનો સમાવેશ જામનગર મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે. જોકે, સતત રાજકીય ઉપેક્ષા કરવામાં આવતા આ વોર્ડનો હજુ સુધી વિકાસ થયો નથી. આ પણ આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. તેમાંય ઉનાળામાં આ વિસ્તારમાં બેડાયુદ્ધ પણ થાય છે.
આ ઉપરાંત યોગ્ય ગટર વ્યવસ્થા અને પીવાનું પાણી પણ લોકોને સમયસર મળતું નથી. આ વિસ્તારમાં બે વર્ષથી ભૂગર્ભ ગટરની લાઈન નાખેલી છે. પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે અહીં ગટરો ઊભરાતી જોવા મળી રહી છે.
યોગ્ય પ્રાથમિક સુવિધાનો અભાવ
આ વિસ્તારમાં ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી રોડ તો બનાવવામાં આવ્યા છે. પણ ભૂગર્ભ ગટર મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી બનાવવામાં આવી નથી. આ વોર્ડમાં લોકોને હજુ સુધી યોગ્ય પ્રાથમિક સુવિધા મળતી નથી. પીવાના પાણીમાંં ગટરના પાણી ભળી જવાના પણ અનેક બનાવો અહીં બની રહ્યા છે. જેના કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે.
• મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મુખ્ય સ્થળો
1. | રેલવે ક્વાર્ટર્સ |
2. | કોમ્યુનિટી હોલ |
3. | રામરોટી આશ્રમ |
4. | હનુમાન મંદિર આશુતોષ પમ્પ |
5. | જોડિયા ભૂંગા |
6. | પોર્ટ કોલોની પાછળનો ભાગ |
7. | ધરારનગર |
8. | વૈશાલી નગર રોડ વિસ્તાર |
9. | કાપડ મીલની ચાલી |
10. | તન્ના એગ્રો ઇન્ડસ્ટ્રી |
11. | પાંચની ચાલી |
12. | જેએમસી ફાયર સ્ટેશન |
13. | બેડેશ્વર મેઇન રોડ |
14. | દિગ્વિજય |
15. | માધાપર ભૂંગા |
હજુ આ વિસ્તારના લોકોને ક્યારે મળશે પ્રાથમિક સુવિધાઓ?
આ વિસ્તારના સ્થાનિકોની માગ છે કે, અહીં તાત્કાલિક ભૂગર્ભ ગટરનું કામ કરવું ખૂબ જરૂરી છે. આ સાથે સાથે રોડ રસ્તા રીપેરીંગ કામ કરવામાં પણ આવે તે જરૂરી છે. આ વિસ્તારમાં અમુક સોસાયટીઓમાં હજુ પીવાનું પાણી પહોંચતું નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે હાલાકી પડી રહી છે. લોકોને ઘરે જ નળ મારફતે પાણી મળે તેવી મહાનગરપાલિકાએ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.