જામનગર: ઠેબા ચોકડી પાસે આવેલી સમરસ હોસ્ટેલ કે જેમાં બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલના બે બિલ્ડિંગમાં ક્વોરેન્ટાઈન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, તેમાં બહારગામથી જામનગરમાં પ્રવેશતા લોકોને સલામતીના ભાગરૂપે ક્વોરેન્ટાઈન કરીને રાખવામાં આવે છે. તેની સાથે-સાથે તેમની આરોગ્ય પરીક્ષણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. આ માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓ વગેરેની ટીમ સેવા આપી રહી છે. જેમાં ગઈકાલે ત્રણ વોરિયર્સ કોરોના સંક્રમિત બની ગયા પછી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંપૂર્ણપણે સફાઈ કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સમરસ હોસ્ટેલના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.કે. વસ્તાણી, સિટી ઇજનેર શૈલેષ જોષી, કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસ્નોઈ વગેરે સમરસ હોસ્ટેલમાં પહોંચ્યા હતા અને સૌપ્રથમ લેડીઝ હોસ્ટેલમાં સંપૂર્ણપણે સેનિટાઇઝેશન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બોયઝ હોસ્ટેલ સહીત સમગ્ર સમરસ હોસ્ટેલ પરિસરમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યુ હતું.
![જામનગર MNC દ્વારા સમરસ હોસ્ટેલના સમગ્ર પરિસરમાં સેનીટાઇઝેશન હાથ ધરવામાં આવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-samras-hostel-7202728-mansukh_14052020123200_1405f_1589439720_524.jpg)
ફ્રન્ટલાઈન વોરિયર તરીકે સેવા આપતા તમામ આરોગ્ય કર્મચારીઓની પણ સુરક્ષા જરૂરી હોવાથી મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે ચિંતા વ્યક્ત કરી હતી અને આરોગ્ય કર્મચારીઓની પૃચ્છા કરી તેમની સેવાઓને બિરદાવી હતી. સાથે જ સમગ્ર વિસ્તારમાં સાફસફાઈ પણ કરવામાં આવી હતી.