જામનગર : શહેરમાં છેલ્લા ઘણા સમયથી 10 રૂપિયાના સિક્કાનું બજારમાં ચલણ બંધ થઈ ગયું છે. શહેરમાં વેપારીઓ કે અન્ય લોકો 10 રૂપિયાના સિક્કા લેતા કે દેતા નથી. જેના કારણે જામનગરની બજારોમાં 10 રૂપિયાના સિક્કા લગભગ અદ્રશ્ય જેવા થઈ ગયા છે. જે સિક્કા આવે છે તે પણ બેંકમાં પડ્યા રહે છે . જો કોઈ લોકો પાસે આવા સિક્કા ભેગા થઈ જાય તો તેઓ બેંકમાં જમા કરાવી દે છે. ત્યારે બેંક સિક્કા સ્વીકારવાની ના પાડી શકતી નથી.
અફવાની અસર : જામનગરની નવાનગર કો-ઓપરેટીવ બેંકના મેનેજર અજય શેઠે આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, 10 સિક્કા નહીં ચાલે તે બસ અફવા છે. જેની અસર રૂપે હવે લોકો 10ના સિક્કા સ્વિકારતા બંધ થયા છે. ઉલ્લેખનિય છે કે, સરકારી માહિતી અનુસાર શહેરની વિવિધ બેંકોની તિજોરીમાં 2.5 કરોડથી વધુની કિંમતના 10 ના સિક્કા પડ્યા છે.
કોઈ સમૂહ દ્વારા સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી છે. જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો રૂપિયા 10 નો સિક્કો લેવડદેવડમાં ઉપયોગ કરતા બંધ થયા છે. જામનગરની વિવિધ બેંકોમાં અઢી કરોડ રુપીયાના 10 ના ચલણી સિક્કાઓ તિજારીમાં પડ્યા છે. ફરીથી 10 ના સિક્કાનું ચલણ બજારમાં શરૂ થાય તે જરૂરી છે.-- અજય શેઠ (મેનેજર, નવાનગર કો-ઓપરેટીવ બેંક)
મંદિરમાં પણ અસ્વીકાર : 10ના સિક્કા બંધ થઈ ગયા હોય તેમ બેંકોમાં સિક્કાઓનો ભરાવો થયો છે. લોકો સિક્કાઓ લેતા નથી અને બેંકો પટારા ભરીને સિક્કા રાખી રહી છે. વેપારીઓ તેમજ ગ્રાહકો ₹10 નો સિક્કો લેવાની ના પાડે છે. ત્યારે દેવસ્થાનોમાં પણ રૂપિયા 10 ના સિક્કાનું ચલણ બંધ થયું છે. જામનગરને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. કારણ કે અહીં અનેક મંદિર છે. તેમાંય મહાદેવના મંદિરોની સંખ્યા વધુ હોવાના કારણે છોટા કાશી પણ કહેવામાં આવે છે. જોકે, મોટાભાગના મંદિરોમાં રૂપિયા 10 ના સિક્કાનું ચલણ તદ્દન બંધ થયું છે. મંદિર બહાર ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકો પણ ₹10 નો સિક્કો લેવાની ના પાડી રહ્યા છે.