જામનગરમાં છેલ્લા એક વર્ષમાં 4 જેટલા એડવોકેટ પર ખૂની હુમલા થયા છે. એડવોકેટ કિરીટ જોશીની હત્યા બાદ જામનગરમાં સતત વકીલો પર હુમલા થતા જોવા મળી રહ્યા છે, જો કે એડવોકેટ કિરીટ જોશીના હત્યારા હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.
જામનગર બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગ કરી છે. મોટી સંખ્યામાં વકીલો બાઇક રૅલીમાં જોડાયા હતા. આ બાઇક રૅલી જામનગર કોર્ટ સંકુલથી શરૂ થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. તેમજ જામનગરમાં વકીલો પર થતા હુમલાના પગલે વકીલોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમાં પણ કિરીટ જોશીની હત્યા બાદ અવારનવાર વકીલો હુમલાનો ભોગ બની રહ્યા છે.