- જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોની સરકાર?
- આગામી ચૂંટણીમાં કેવા રહેશે સમીકરણ?
- જિલ્લા અને તાલુકામાં હાલનું ચિત્ર?
જામનગર : આગામી દિવસોમાં જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે જિલ્લા પંચાયત પર ગત પાંચ વર્ષથી કોંગ્રેસનું શાસન છે અને જામનગર જિલ્લાના તમામ 6 તાલુકામાં પણ કોંગ્રેસનું શાસન હતું. જોકે, તાલુકા પંચાયતના અઢી વર્ષ પૂર્ણ થતાં જામનગર જિલ્લાની 5 તાલુકા પંચાયત પર ભાજપે તોડજોડની નીતિથી કબ્જો કર્યો છે. જે કારણે એક માત્ર જોડિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું. જોકે, જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે અને અનેક વિકાસ કાર્યો પણ કર્યા છે.
જામનગર જિલ્લાના ક્યાં તાલુકામાં કેટલી બેઠક
- જામનગર તાલુકા - 24 બેઠક
- લાલપુર - 18 બેઠક
- જામજોધપુર - 18 બેઠક
- કાલાવડ - 18 બેઠક
- ધ્રોલ - 16 બેઠક
- જોડિયા - 16 બેઠક
ગત ચૂંટણીમાં કોંગ્રેસનો શાનદાર દેખાવ
જામનગર જિલ્લામાં પંચાયત અને તાલુકા પંચાયતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસનો શાનદાર દેખાવ રહ્યો હતો. જામનગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું જંગી બહુમતીથી વિજય થયો હતો અને જિલ્લા પંચાયત પર પણ કોંગ્રેસે કબ્જો મેળવ્યો હતો.
અઢી વર્ષના શાસન બાદ ભાજપે પાંચ તાલુકા પંચાયત પર કબ્જો કર્યો
જામનગર જિલ્લાના છ તાલુકામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસનો જંગી બહુમતીથી વિજય થયો હતો. જોકે, અઢી વર્ષના શાસન બાદ ભાજપે તોડજોડની નીતિ અપનાવી હતી. 5 તાલુકા પંચાયત પર ભાજપે કબ્જો મેળવ્યો હતો. જોકે માત્ર જામનગર જિલ્લાના જોડિયામાં કોંગ્રેસનું શાસન પાંચ વર્ષ ચાલ્યું છે.
આગામી ચૂંટણીના મુખ્ય મુદ્દા
જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો રહેશે આ ખેડૂતો અતિવૃષ્ટિ થવાના કારણે પાયમાલ થયા છે. જોકે ખેડૂતોને પાક વીમો મળ્યો ન હોવાની રાવ ઉઠી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી અને સિંચાઇ માટેનું પાણી તેમજ આરોગ્ય સુવિધા સહિતના મુદ્દાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહત્વના રહેશે.