જામનગર : શહેર કોંગ્રેસના કોર્પોરેટરે અગાઉ ચૂંટણીનો ખાર રાખી વેપારી યુવાનને માર મારી પતાવી દેવાની ધમકી આપતા ચકચાર જાગી છે. ત્યારે હવે આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પટણીવાડ ધોબીશેરી ગની-એ-રહેમતમાં રહેતા 42 વર્ષીય વેપારી મુખ્તાર અબ્બાસભાઈ કુરેશીએ કોર્પોરેટર અસલમ ખીલજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શું હતો મામલો ? ફરિયાદએ નોંધાવેલ ફરિયાદમાંથી મળતી માહિતી અનુસાર અસલમ ખીલજીએ પટણીવાડ હનુમાન દાદાની ડેરી પાસે ફરિયાદીને માર માર્યો હતો. ઉપરાંત તેને મારી નાખવાની ધમકી આપી હતી. જેના પાછળના કારણમાં ફરિયાદમાં દાવો કર્યો કે, મુખ્તાર અબ્બાસભાઇ કુરેશીના ભાણેજે અગાઉ ચુંટણીમાં અસલમ ખીલજી સામે અપક્ષમાં ફોર્મ ભરી ઉભા હતા. આ બાબતનો ખાર રાખી અસલમ ખીલજીએ મુખ્તાર અબ્બાસભાઇ કુરેશીને ધોકાવી નાખ્યો હતો. ઢીકા-પાટુનો માર મારી જાહેરમાં બે કટકે ગાળો ભાંડી હતી. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ઘમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
પોલીસ ફરિયાદ : આ અંગે એવી પણ વિગતો સામે આવી રહી છે કે, અલસમ ખીલજી અને ફરિયાદી વચ્ચે સાળા-બનેવીનો સબંધ છે. હાલ આ ફરિયાદના આધારે પોલીસે અસલમ ખીલજી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે સીટી એ ડિવિઝનના PI ચાવડાએ વિગત આપતા જણાવ્યું કે, કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.