આ લડત કરતા પહેલા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા 1 વર્ષથી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરવામાં આવેલી હતી. ઉર્જાખાતાના કર્મચારીઓને સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, એચ આર એ, જીએસઓ 4 મુજબ ખૂટતો સ્ટાફ અને કામના પ્રમાણમાં વધારાનો સ્ટાફ, રજાના પૈસા રોકડમાં ચૂકવવા, મેડિકલના લાભો આપવા અને અન્ય લાભોની માંગણી તેમજ સતત રજૂઆતો કરવામાં આવેલ હતી. પરંતુ, મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા તેમજ મિટિંગમાં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુતર આપવાની પણ કોશિશ કરેલી નથી. જેથી આ કંપનીઓના કર્મચારીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. જેના પરિણામે આખરે લડત કરવા માટે નોટિસ આપવામાં આવેલ હતી.
લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે જેટકો, જીસેક અને ડિસ્કોમ કંપનીઓના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરી સામે સાંજે સુત્રોચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને ઇજનેરોએ હાજરી આપી હતી. ગુજરાતની પ્રજાને દીપાવલીના તહેવારમાં વીજ વિક્ષેપ ન થાય તેવા આશયથી આંદોલન દિવાળીના તહેવાર પછી નિર્ધારિત કરવામાં આવ્યુ હતું.