જામનગર: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ મધ્યાહન ભોજન કચેરીના સંયુક્ત ઉપક્રમે એક અનોખી પહેલના ભાગરૂપે એમ.પી.શાહ મેડિકલ કોલેજના સહયોગથી સ્તન કેન્સર અવેરનેસ અંગેના વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના કેન્સર વિભાગમાં કાર્યરત ડો.શિલ્પાબેન ચુડાસમાએ ઉપસ્થિત મહિલાઓને સ્તન કેન્સર અંગે વિવિધ સુચનો તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત: વિશ્વસ્તરે જ્યારે ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મહિલાઓમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ આવે તે હેતુથી યોજાયેલા આ સેમિનારમાં મહિલાઓમાં સ્તન કેન્સર અંગેની જાગૃતતા ફેલાવવા તેમજ સ્ક્રીનીંગ મેમોગ્રાફી જેવા તબીબી પરીક્ષણ કરાવી આ રોગ અંગેનું નિદાન સમયસર કરાવી શરૂઆતના તબક્કામાં જ તેમાંથી મુક્તિ મેળવી શકાય તે અંગે વિવિધ સૂચનો કરાયા હતા. સેમિનારમાં નગર પ્રાથમિક સમિતિમાં કાર્યરત શિક્ષિકા બહેનો તેમજ મધ્યાહન ભોજન યોજનાના કાર્યકર હેલ્પર બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્તન કેન્સર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
![સ્તન કેન્સર અંગે જાગૃતિ લાવવા વિશેષ સેમિનાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-11-2023/gj-jmr-01-seminar-10069-mansukh_04112023152254_0411f_1699091574_15.jpg)
કોણ કોણ હાજર રહ્યા: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢાના પ્રેરક સૂચનથી સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટેના આ સેમિનારમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ મેયર અમીબેન પરીખ તેમજ બીનાબેન કોઠારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય મનીષાબેન બાબરીયા તથા શહેરના મહિલા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને વ્યવસ્થાપન ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા તથા શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.