જામનગર : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરમાં છેલ્લા આઠ વર્ષથી માટીના ગરબા બનાવતા પ્રજાપતિ પરિવારે આ વર્ષે પણ અવનવી ડિઝાઇનના માટીના ગરબા બનાવ્યા છે જેની બજારમાં ખૂબ માંગ જોવા મળી છે. તેમણે બનાવેલ નવદુર્ગાના મુખારવિદ ધરાવતો ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
નવદુર્ગાના મુખારવિંદવાળો ગરબો : ખાસ કરીને આ વર્ષે નવદુર્ગાના મુખારવિંદવાળો ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કારણ કે નવદુર્ગાનો ચહેરો ગરબાની આગળ રાખવામાં આવ્યો છે તેમ જ આ ગરબામાં નવદુર્ગાને શણગાર પણ પહેરાવી શકાશે. પાછળની સાઈડમાં ગરબો રાખવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર છે અને મોટી સંખ્યામાં લોકો નવદુર્ગાના મુખારવિંદવાળો ગરબો ખરીદી રહ્યા છે.
ઘટ સ્થાપના માટે ગરબા : જામનગર શહેરમાં શેરીઓ અને ગલીઓમાં નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના અને આરાધના કરવામાં આવશે. ત્યારે માતાજીની સ્થાપન ગણાતા ગરબાનું અનોખું મહત્વ રહેલું છે. ખાસ કરીને ગરબાની બનાવટમાં પ્રજાપતિ હંમેશાં અવનવી ડિઝાઇનમાં ગરબા બનાવતા હોય છે.
છેલ્લા આઠ વર્ષથી માટીના ગરબા બનાવીએ છે અને મોટી સંખ્યામાં જામનગરવાસીઓ અમારા ગરબા લેવાનું પસંદ કરે છે. કારણ કે અમે છેલ્લા એક મહિનાથી આ ગરબા પર વિવિધ ડિઝાઇન તેમજ રંગ કરી રહ્યા છીએ. જેના કારણે ગરબા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ધર્મપત્ની પણ ગરબાની બનાવટમાં મારી મદદ કરે છે અને તેઓ પણ અવનવી ડિઝાઇનો આ ગરબા પર બનાવે છે..અતુલભાઇ પ્રજાપતિ (ગરબા બનાવનાર)
ગ્રાહકોનો પ્રતિભાવ : ગરબા ખરીદવા માટે આવેલા ગ્રાહક પાયલબેન લાલવાણી જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીંથી જ ગરબા ખરીદે છે અને આ ગરબાઓમાં અવનવી ડિઝાઇન તેમને ગમે છે. અન્ય એક આરતી કાલાવડીયા પણ ગરબો ખરીદવા માટે આવ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરે જ માતાજીના ગરબાની સ્થાપના કરે છે અને અહીંથી તેઓ ગરબો ખરીદવા માટે આવ્યા છે.