જામનગરઃ કાલાવડ તાલુકાના નવાગામ ખાતે નારાયણ ગીરી સ્થાપીત શિવાશ્રમ ધામે આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર એવા હંસદેવ ગીરી બાપુની અધ્યક્ષતામાં મહા શિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ અને આસ્થાભેર કરવામાં આવી હતી. જેમાં 21 કુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જીવ અને શિવનો યોગ સાધતું પર્વ એટલે મહા શિવરાત્રી. આ પર્વ સકલ સૃષ્ટિને શિવત્વનો સંદેશ આપે છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં શુક્રવારે શિવરાત્રીની ભાવભેર ઉજવણી કરાઈ હતી. શિવાલયો અનેરા શણગારથી દિપી ઉઠ્યા હતાં. સમગ્ર દિવસ દરમિયાન ભાવિકોનો હર હર મહાદેવનો નાદ મંદિરોમાં ગુંજતો રહ્યો હતો. શિવાશ્રમ ઘામમાં ધ્વજારોહણ, શોભાયાત્રા, ચાર પ્રહર પૂજા, આરતી, લઘુરૂદ્રાભિષેક, શૃંગાર દર્શન, મહાઆરતી, ભાંગ પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. મહા શિવરાત્રી એ યોગી, સાધુ, સંતો, બ્રાહ્મણો તથા સમસ્ત જનતા માટે પૂજા પાઠ માટે વિશેષ દિવસ માનવામા આવે છે. મહા શિવરાત્રીના દિવસે કોઈપણ મનોકામના માટે પૂજા, જપ, તપ, કે યજ્ઞ કરવામાં આવે, એ જરૂરી સિદ્ધ થાય છે.
પરમ પૂજ્ય આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર એવા હંસદેવગીરી બાપુએ જણાવ્યું કે, ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શિવને જગત પિતા માનવામાં આવેલા છે, કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂર્ણ બ્રહ્મ છે. હિંદુ સંસ્કૃતિમાં ભગવાન શિવને મનુષ્ય કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે. શિવ શબ્દ અને એના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિમાં દર્શનજ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરવાવાળા દેવ છે. આ કારણથી અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર રૂપમાં હોવા છતાં શિવલીંગ સ્વરૂપ સાકાર મૂર્તિ પૂજા કરવામાં આવે છે.
દેશ-પરદેશમાં ભગવાન શિવના મંદિરો દરેક શહેરો, ગામડા અને કસ્બાઓમાં જોવા મળે છે. જે ભગવાન મહાદેવની વ્યાપકતા અને એમના ભક્તોની આસ્થા પ્રગટ કરે છે. ભગવાન મહાદેવ એકમાત્ર એવા દેવ છે, જેને ભોલે ભંડારી નામથી પ્રયોજવામાં આવે છે. ભગવાન શિવ થોડીક જ પૂજા અર્ચનાથી પ્રસન્ન થાય છે. માનવ જાતિની ઉત્પતિ પણ ભગવાન શિવ દ્વારા માનવામાં આવેલા છે. ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક શિવ ભક્ત માટે પરમ આવશ્યકતા છે. ભગવાન ભોલેનાથે સમુદ્ર મંથનમાં પ્રાપ્ત સમગ્ર વિષને પોતાના કંઠમાં ધારણ કર્યુ હતું, તેથી જ શિવ નિલકંઠ પણ કહેવાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં માટે શિવાશ્રમ સેવા સમિતિના શિવ સૈનિકગણોએ ભારે જહેમત ઉઠાવી હતી.