અમરેલી: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગના વ્યક્તિઓ ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે, પશુપાલનના વ્યવસાયમાંથી લોકો આજે લાખો રૂપિયાની કમાણી કરતા પણ થયાં છે. અમરેલી જિલ્લાના ગામડાઓના લોકોનું જીવન પણ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે.
આજે ઘણા યુવાનો સરકારી નોકરી અને બિઝનેસમાં આગળ વઘવાની સાથે સાથે પશુપાલન ક્ષેત્રે પણ આગળ વઘી રહ્યાં છે. તેમાંથી જ એક છે લાઠી તાલુકામાં આવેલા રાફડા ગામે રહેતા પ્રદીપભાઈ પરમાર.
ગૌશાળામાં નાની-મોટી 35 જેટલી ગીર ગાય: ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરી ચુકેલા આ 38 વર્ષીય પશુપાલકે પશુપાલન થકી સારી એવી આર્થિક પ્રગતિ કરી છે. આજે રાફડા ગામની અંદર પ્રદીપભાઈએ ગીર ગાયની એક ગૌશાળા બનાવી છે, આ ગૌશાળામાં હાલ તેમની પાસે 35 જેટલી નાની-મોટી ગીર ગાય છે, તેઓ સમગ્ર સૌરાષ્ટ્રની અંદરથી સારી બ્રીડ વાળી ગાયોની ખરીદી કરે છે અને ગૌશાળા પર લાવીને તેની સારી રીતે માવજત કરે છે અને ઉછેરે છે. ત્યાર બાદ તેને વેચાણ પણ કરે છે.
એક લાખથી લઈને સાડા આઠ લાખ સુધીની ગાય: આજે પ્રદીપભાઈ પરમાર પાસે એક લાખથી લઈને સાડા આઠ લાખ સુધીની ગીર ગાયો અને ગીર વાછરડીઓ છે. આ ઉપરાંત તેમની પાસે કોહીનૂર નામનો એક સારી બ્રીડની ઓલાદનો આખલો પણ છે. હાલમાં તેમણે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મંદિરના એક મહંતને એક શ્વેત કપિલા વાછરડી 8 લાખ 51,000 રૂપિયામાં વેંચી છે.
ઓમકારેશ્વરના એક મહંતે ખરીદી 8 લાખ 51 હજારની વાછરડી: મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આવેલા એક મહાદેવ મંદિરના મહંત સૌરાષ્ટ્રના પ્રવાસે હતા, દરમિયાન આ મહંતે પ્રદીપભાઈની ગૌશાળાની મુલાકાત લીધી હતી, અને મહંતે આ ગૌશાળામાં રહેલી શ્વેત કપિલા વાછરડી નિહાળી હતી અને આ શ્વેત કપિલા વાછરડીને 8 લાખ 51,000માં ખરીદી હતી અને આ વાછરડીને ખરીદીને ઓમકારેશ્વરમાં લઈ ગયા હતા..
ગૌશાળામાં ગાયોની સારી રીતે માવજત: ગૌશાળામાં રહેલી આ કપિલા વાછરડીને પ્રદીપભાઈએ અમરેલી પંથકમાંથી ખરીદી હતી હતી અને પોતાના ગૌશાળામાં રાખી અને ખુબ સારી રીતે તેની માવજત કરી. ગૌશાળામાં સવારથી સાંજ સુધીમાં વાછરડીને 12 થી 13 કિલો સૂકો ઘાસચારો ઉપરાંત ત્રણ કિલો ખાંડ આપવામાં આવતી હતી. સારી માવછત અને પોષણયુક્ત ઘાસચારાને પગલે આજે શ્વેત કપિલા વાછરડી ખુબ સુંદર અને સશક્ત લાગી રહી છે અને અન્ય વાછરડીઓથી એકદમ અલગ તરી આવે છે.
પશુપાલનના ક્ષેત્રમાં પ્રદીપભાઈએ કાઠું કાઢ્યું: મહત્વપૂર્ણ છેકે, ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યા બાદ પ્રદીપભાઈએ ખાનગી ક્ષેત્રે નાની મોટી નોકરીઓ પણ કરી હતી, પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. આથી પ્રદીપભાઈએ તેમના પિતા દ્વારા રાખેલી ત્રણ ગીર ગાય થકી પિતાની સાથે પશુપાલનના વ્યવસાયમાં હાથ અજમાવ્યો.
દૂધાળા પશુઓ વિશે વિસ્તારથી જાણ્યું: પ્રદીપભાઈએ શરૂઆતના સમયમાં ગુજરાત તેમજ હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોનો પ્રવાસ કરીને જાણ્યું કે, કેવા પ્રકારના પશુઓ પસંદ કરવા, કેવી રીતે પશુઓની સાર સંભાળ રાખવી વગેરે જેવી માહિતી મેળવી અને ત્યારબાદ પોતાના રાફડા ગામે પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી અને આજે તેઓ પશુપાલનની સાથે દૂધાળા પશુઓનું ખરીદ-વેંચાણ કરીને લાખો રૂપિયાની કમાણી કરીને અન્ય યુવાઓને પણ પ્રેરક ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે.