જામનગર: સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતગર્ત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવો ઉંડા ઉતારવાના કામો કરવામાં આવેલ હતા. જે સરકારનો હેતુ ખૂબ સારો છે. પરંતુ સરકાર દર વર્ષે મોટે ઉપાડે માર્ચ-એપ્રિલ મહિનામાં જાહેરાતો કરે છે. જાહેરાતોના 10 ટકા કામ પણ થતા નથી અને જે ગ્રામ પંચાયત આ કામ કરે છે. તે કામના 60 ટકા રકમ તળાવ ઉંડુ ઉતારવા મળે છે. 40 ટકા ગ્રામ પંચાયતે ભોગવવાના હોય છે. પરંતુ હજુ સુધી ગ્રામ પંચાયત દ્વારા સુજલામ સુફલામના તળાવ ઉંડા ઉતારવાના કામો પૂર્ણ કર્યાને 6 મહિના જેટલો સમય વિતી ગયો છે, પરંતુ હજી 60 ટકા લેખે પેમેન્ટ મળવાનું છે તે પણ મળેલ નથી. સરપંચો અને ગામનાં ખેડૂતભાઇઓએ પોતાના ગાંઠના રૂપિયા આ તળાવો ઉંડુ ઉતારવા રોકાણ કર્યું છે. તો આ તળાવ તેમજ ચેકડેમ ઉંડા ઉતારવાના કામના રૂપિયા તાત્કાલિક અસરથી ખેડૂતોને ચુકવી દેવા જોઈએ.
ગામના સરપંચોને કચેરીઓના ધક્કા ખવડાવીને અધિકારીઓ જવાબદારીમાંથી પલું ઝાટકતા હોઈ તેવો ભાવ જોવા મળે છે. એવો જવાબ આપવામાં આવી રહ્યોં છે કે નોડેલ અધિકારીની જગ્યા ખાલી છે. તેની નિમણુંક થાય પછી પેમેન્ટની કાર્યવાહી આગળ વધશે.ખરેખર ગુજરાતની ખેડૂતો માટેની સંવેદનશીલ સરકારે આ યોજનાની મોટા પાયે જાહેરાતો કરે ત્યારે કોઇ પણ વિભાગની જવાબદારી સુનિશ્ચિત કરવી જોઇએ. જયારે ગ્રામ પંચાયત દ્વારા પોતાનું કામ સમજીને ગામમાં પાણીના સંગ્રહ માટે આ તળાવ ઉંડુ ઉતારવાનું કામ કર્યુ છે. ત્યારે સરકારની અણધડ નીતિ અને અણઆવડતને લઈને હજુ સુધી પેમેન્ટ મળેલ નથી. આ અંગે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો સરપંચો તથા ખેડૂતો સાથે રાખી ગાંધી ચીંધ્યા રાહે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.