જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગર સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી નવા રૂપાંતરિત એલએચબી કોચનું શુભારંભ કર્યું હતું. હવેથી ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનેલવેલી અને ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનો પરંપરાગત રેકની જગ્યાએ નવા રૂપાંતરિત એલએચબીરેક સાથે દોડશે.
મુસાફરોને વધુ સુવિધા: કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે માનનીય સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે જામનગર-તિરુનેલવેલી અને હાપા-મડગાંવ એક્સપ્રેસ જેવી લાંબા અંતરની ટ્રેનોમાં LHB રેકની સુવિધા મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 8 સેકન્ડ સ્લીપર, 3 જનરલ, 1 પેન્ટ્રી કાર, 1 લગેજ વાન અને 1 જનરેટર વેન કોચ હશે.
કોણ ઉપસ્થિત રહ્યા: આ કાર્યક્રમમાં જામનગરના માનનીય મેયર બીનાબેન કોઠારી, માનનીય ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ ભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. ડો.વિમલ કગથરા, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો, અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રેલ સુવિધા વધારવામાં સતત પ્રયાસો: રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે માનનીય સંસદ સભ્ય પૂનમબેન માડમનો રેલ સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.