જામનગર : શહેરમાં છેલ્લા 70 વર્ષથી કસ્તુરબા વિકાસ ગૃહ દ્વારા બાળકો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ અને સેવા કરવામાં આવે છે. કસ્તુરબા વિકાસ ગૃહમાં અનાથ બાળકોને આશરો આપવામાં આવે છે અને બાળકોનો ઉછેર કરી મોટા કરવામાં આવે છે. તેમાંય ખાસ કરીને દીકરીઓનો ઉછેર કરી મોટી કરી અને તેના લગ્ન પણ સંસ્થા દ્વારા કરી દેવામાં આવે છે. જામનગર શહેરમાં નવજાત શિશુઓ મળવાના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે. છેલ્લા ચાર મહિનામાં જામનગર શહેરમાંથી નવ જેટલા નવજાત શિશુ મળી આવ્યા છે. આ તમામ નવજાત શિશુઓને જામનગરની કસ્તુરબા વિકાસ ગૃહમાં આશરો આપવામાં આવ્યો છે.
કસ્તુરબા વિકાસ ગૃહ : આ અંગે કસ્તુરબા વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગરે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, કસ્તુરબા વિકાસ ગૃહ અનાથ બાળકોને આશરો આપી અને તેનો ઉછેર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ અંગે કરસનભાઈએ જણાવ્યું હતું કે, અનાથ અથવા નવજાત શિશુ રૂપે મળેલી બાળકીઓનો અહીં સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. અહીં આ બાળકીઓને અભ્યાસ પણ કરવામાં આવે છે. સાથે સાથે બાળકીઓના લગ્નની જવાબદારી પણ સંસ્થા દ્વારા લેવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 355 જેટલા અનાથ બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. આ બાળકોની તમામ પ્રકારની જવાબદારી સંસ્થા દ્વારા લેવામાં આવે છે. બાળકનો તમામ ઉછેરમાં પણ સંસ્થાનો મહત્વનો ફાળો રહેલો છે. -- કરસનભાઈ ડાંગર (પ્રમુખ, કસ્તુરબા વિકાસ ગૃહ)
નવજાત શિશુને મળ્યા મા-બાપ : શહેરમાંથી મળી આવેલા નવમાંથી ચાર બાળકોને દત્તક લેવામાં પણ આવ્યા છે. જેમાંના બે બાળકો વિદેશના દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. જ્યારે બે બાળકો ભારતના દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. તાજેતરમાં જ અમેરિકન દંપતીને એક બાળક દત્તક આપવામાં આવ્યું છે. જોકે જે બાળકોને કોઈ બીમારી હોય અથવા તો મોંઘી મેડિકલ સારવારની જરૂર હોય તેવા બાળકોને મોટાભાગે વિદેશમાં વસતા દંપતીઓને દત્તક આપવામાં આવે છે. કારણ કે ત્યાં તેમને મેડિકલ સુવિધા મળી રહે છે.
બાળક દત્તક લેવાની પ્રક્રિયા : કરસનભાઈ ડાંગરે બાળક દત્તક લેવાની પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની એજન્સી મારફતે ઓનલાઈન ફોર્મ જે તે વ્યક્તિએ ભરવું પડે છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમામ રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે આ બાળકોને દત્તક આપતા હોય છે. જોકે મોટાભાગના લોકો આ પ્રોસેસથી અજાણ્યા છે. ત્યારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ત્રણથી ચાર વર્ષે જે તે વ્યક્તિને બાળક દત્તક જોઈતું હોય તેમને મળી શકે છે.