જામનગર: શહેરની નગરીને છોટી કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જામનગરમાં હજારોની સંખ્યામાં શિવ મંદિરો આવેલા છે. શ્રાવણ મહિનામાં કાશી વિશ્વનાથ મંદિરનો મહિમા અનેરો હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.
મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોરોના મહામારીને કારણે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દર્શન કરવા આવતા ભક્તજનોનું ટેમ્પરેચર ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ સેનીટાઇઝર દ્વારા હાથ સાફ કરાયા હતાં. લોકો માસ્ક પહેરી મહાદેવના દર્શન કરે તેની તકેદારી રાખવામાં આવી હતી. મોટા પ્રમાણમાં ભીડ એકત્ર ન થાય તે માટે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.