જામનગર : ભારત ખેતીપ્રધાન દેશ છે. દેશભરમાંથી વિવિધ પાક અને અનાજનું વિદેશમાં નિર્યાત કરવામાં આવે છે. ત્યારે જામનગરના એક પ્રગતિશીલ ખેડૂતની મહેનત થકી ગુજરાતની સુગંધ હજારો કિલોમીટર દૂર વિદેશમાં પહોંચી છે. જામનગરના ધ્રોલ તાલુકાના ખેડૂત બળદેવભાઈ ખાત્રાણી દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવે છે, જે હાલમાં હજારો કિમી દૂર કેનેડા જેવા દેશોમાં નિર્યાત કરવામાં આવે છે.
પ્રગતિશીલ ખેડૂત બળદેવભાઈ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં કાનપુર ગામના ખેડૂત બળદેવભાઈ ભાણજીભાઈ ખાત્રાણી માતૃકૃપા ઓર્ગેનિક ફાર્મનું સંચાલન કરે છે. બળદેવભાઈ છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. બળદેવભાઈએ અત્યારે તેમના ખેતરમાં તેમણે મગફળી, ઘઉં, કપાસ, પાલક, બીટ, હળદર, બ્રામ્હી, જવેરા અને ગુલાબનું વાવેતર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બળદેવભાઈ ગુલાબની ખેતી કરવાની સાથે મિશ્ર પાકમાં મગફળી વાવે છે. મગફળીની સિઝનમાં તેઓ સીંગતેલનું વેચાણ પણ કરે છે. જેમાંથી એક ડબ્બાનું વેચાણ કર્યા પછી રુ. 4200 સૂધીની આવક મળી રહે છે. ઉપરાંત રવિ પાકની સીઝનમાં તેઓ બીટ, પાલક અને જવેરાનું વાવેતર કરે છે અને બીટના સૂકા ખમણનું વેચાણ કરે છે.
કેવી રીતે બને છે ગુલકંદ ? આ અંગે બળદેવભાઈ જણાવે છે કે, હું 5 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. હાલમાં 10 એકરમાં ગુલાબનું વાવેતર કર્યું છે. ગાયના ગૌમૂત્રમાંથી હું જીવામૃત ઘરે જ બનાવું છું. જેમાં કોઈ ખર્ચ થતો નથી. ખેતરમાં નેચરલ ફોર્મમાં બનેલા ગૌમૂત્રનો જંતુનાશક દવા તરીકે છંટકાવ કરવાથી કોઈ જીવાત રહેતી નથી. તેનાથી મારો ઘણો ખર્ચ પણ બચી ગયો છે. દરરોજ સવારે ગુલાબ ઉતારી લીધા પછી તેને હું સૂકવી દઉં છું. તેમાંથી તૈયાર થયેલી સૂકી ગુલાબની પાંદડીને હોલસેલમાં વેચાણ કરું છું.
ગુલકંદની કિંમત : બળદેવભાઈએ વધુમાં કહ્યું કે, ગુલકંદ બનાવવા માટે લીલી ગુલાબની પાંદડી, સાકર, મધ, એલચી, વરિયાળી અને જાવંત્રી જેવા પદાર્થને સરખા ભાગમાં મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ તડકા-છાંયામાં મૂકીને મધમાંથી ચાસણી તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં હાનિકારક ખાંડનો ઉપયોગ ન થતો હોવાથી આ હોમમેડ ગુલકંદ ખાધા પછી શરદી, કફ કે ખાંસી થતા નથી. આ ગુલકંદ તૈયાર થઈ ગયા પછી રુ. 500 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાણ કરવામાં આવે છે.
સરકારી કાર્યક્રમોમાં પ્રાકૃતિક કૃષિના સ્ટોલમાં મારી પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે, જેનાથી મને ઘણો ફાયદો થયો છે. -- બળદેવભાઈ ખાત્રાણી (ખેડૂત)
દેશ-વિદેશમાં સુગંધ પ્રસરી : બળદેવભાઈના બનાવેલા ગુલકંદની માંગ ફક્ત ગુજરાત પૂરતી જ નહીં, પરંતુ કેનેડા અને ઈંગ્લેન્ડ જેવા દેશ સુધી જોવા મળે છે. બળદેવભાઈ પાસેથી કેનેડાના ગ્રાહકો ગુલકંદ હોલસેલમાં મંગાવે છે. તેમની પ્રોડક્ટ જામનગર જિલ્લાના સીમાડા વટાવીને હજારો કિમી દૂર પશ્ચિમના દેશો સુધી પહોંચી ગઈ છે.
ખેડૂતની મહેનતને સરકારનું પ્રોત્સાહન : બળદેવભાઈએ ગુલાબની પાંદડીને સુકવવા માટે રુ. 1 લાખની કિંમતનું પોલી સોલાર ડ્રાયર લીધું છે. આ મશીન ખરીદવા માટે તેમને બાગાયત વિભાગ તરફથી સહાય પણ મળી છે. સવારે મશીનમાં ગુલાબની પાંદડી સુકવ્યા બાદ બપોર સુધીમાં તે તૈયાર થઈ જાય છે. જામનગર જિલ્લામાં આયોજિત થતા વિવિધ કૃષિ મેળા કે મીલેટ્સ મેળામાં તેઓ ગુલકંદનું વેચાણ કરે છે, જેમાંથી તેઓને સારી કમાણી થાય છે.
પ્રેરણાદાયી વ્યક્તિત્વ : આ ઉપરાંત બળદેવભાઈ પાસેથી મલ્ટી નેશનલ કોસ્મેટિક્સ કંપનીઓ ગુલાબની સૂકી પાંદડી મંગાવે છે. જેનો ઉપયોગ લિપસ્ટીક બનાવવા માટે થાય છે. તેઓ આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેના આયોજિત થતા સેમિનારમાં માર્ગદર્શન આપે છે અને એમાંથી પ્રેરણા લઈને બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરવા તરફ વળ્યાં છે. બળદેવભાઈનો સમગ્ર પરિવાર આ કાર્યમાં તેમને બધી જ રીતે સાથ-સહકાર પૂરો પાડે છે. બળદેવભાઈ માત્ર એક સામાન્ય ખેતી કરતા ખેડૂત જ નહિ પરંતુ અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત પણ બન્યા છે.
ફૂલોનો રાજા ગુલાબ : ગુલાબને ફૂલોનો રાજા કહેવાય છે. ગુલાબની 300 થી વધુ પ્રજાતિ જોવા મળે છે. જેમાં સફેદ, પીળા, ગુલાબી અને લાલ રંગોમાં ગુલાબ જોવા મળે છે. ગુલાબની ખેતી મોટાભાગે એશિયા ખંડમાં કરવામાં આવે છે. ગુલાબનો ઉપયોગ જ્વેલરી મેકિંગ, દવા, લેપ, કોસ્મેટિક્સ, પરફ્યુમ, રોઝ સીરપ, આઈસ્ક્રીમ, એસેન્સ, અગરબત્તી, ગુલકંદ અને મીઠાઈ બનાવવામાં થાય છે.