જામનગર : જામનગરના 44 વર્ષીય એક ફોટોગ્રાફર યુવાન દ્વારા પર્યાવરણ બચાવોના શુભ સંદેશ સાથે આજથી 7 હજાર કિલોમીટરની સાયકલ યાત્રાનો પ્રારંભ જામનગર ખાતેથી કરવામાં આવ્યો છે. આ યુવાન સતત ચાર મહિના સુધી જામનગરથી લેહ લદાખ અને હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં સાયકલ યાત્રા પ્રવાસ કરશે અને પર્યાવરણ બચાવનો સંદેશ આપશે.
હું અગાઉ પણ ચારધામની યાત્રા સાયકલ પર કરી ચૂક્યો છું અને આજરોજ ફરીથી લેહ લદાખ જવા માટે નીકળ્યો છું. ખાસ કરીને જીવનજરુરી ચીજવસ્તુઓનો અને અન્ય તમામ પ્રકારની જરુરી વસ્તુઓનો સંગ્રહ સાયકલ પર જ કરી રાખ્યો છે. જેમાં ટેન્ટ છે નાનો ગેસનો ચૂલો છે અને નાના ગેસના સિલિન્ડર તેમજ વાસણ પણ સાથે રાખ્યા છે. રસોઈ પણ જાતે બનાવીશ...ગોવિંદ આહીર(સાયકલયાત્રી)
4 મહિનાની સાયકલ યાત્રા જામનગરના યુવાન ગોવિંદ આહીર પર્યાવરણ બચાવોના શુભ સંદેશ સાથે જામનગરથી લેહ લદાખ અને વૈષ્ણોદેવી, અમરનાથ, જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશની 7 હજાર કિલોમીટર સુધીની 4 મહિનાની સાયકલ યાત્રાએ નીકળ્યાં છે. મુશ્કેલ સાયકલ યાત્રાએ નીકળેલા ગોવિંદ આહીર આજે સત્યમ કોલોની ખાતે આવેલી આહીર સમાજની વાડી ખાતેથી રવાના થયાં હતાં. તેમના પ્રયાસને બિરદાવવા જામનગર આહીર સમાજના આગેવાન મહેશભાઈ નંદાણીયા અને કરસનભાઈ કરમૂર સહિતના આગેવાનોએ આ યુવાનને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
પર્યાવરણ બચાવોના સંદેશ માટે સાહસ ખાસ કરીને હાલ ચોમાસાનો સમય હોઇ અને એવા સમયે સાયકલ યાત્રાનો પ્રવાસ સાદા રસ્તા પર હોય તે પર્વતીય વિસ્તાર હોય, ખૂબ જ કઠિન રહી શકે છે. તેમ છતાં પણ દ્રઢ મનોબળ રાખીને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે આજે યુવાન ગોવિંદ 7000 કિલોમીટરની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે.