જામનગર : જામનગર દરેડ જીઆઇડીસીમાં દેશના અન્ય રાજ્યોમાંથી રોજગાર અર્થે આવતાં પરપ્રાંતીય મજૂરો મોટી સંખ્યામાં રહે છે. આ પરપ્રાંતીય મજૂરોના બાળકો પણ અહીં આજુબાજુની સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે. 19 તારીખે દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી બે બાળકોનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ પંચકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેની તપાસમાં બાળકો મળી આવ્યાં છે.
બાળકો મુંબઇ પહોંચી ગયાં : પંચકોશી પોલીસ સ્ટેશન પીએસઆઇ મહેશ મોરીએ તાત્કાલિક ટીમ બનાવી અને બંને બાળકોને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આખરે બંને બાળકો પાંચ દિવસની મહેનત બાદ પોલીસના હાથે ઝડપાયા છે. બેય બાળકોનું મન અભ્યાસમાં ન લાગતાં ઘેરથી નીકળીને મુંબઇ પહોંચી ગયાં હતાં.
બંને બાળકો પાસે રહેલા મોબાઇલના સીમ પણ બંને બાળકોએ તોડી નાખ્યા હતાં. જેના કારણે બંને બાળકો પાસે પહોંચવું ખૂબ કઠિન હતું. જોકે સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બંને બાળકોને પાંચ દિવસ બાદ મુંબઈથી શોધી કાઢવામાં આવ્યા છે. બંને બાળકો મુંબઈમાં ફૂટપાથ પર રખડતા જોવા મળ્યા હતાં. જોકે બંને બાળકો અહીં મુંબઈમાં કામ ધંધાની શોધખોળ પણ શરૂ કરી હતી...મહેશ મોરી (પીએસઆઇ, પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન)
બાળકો ફૂટપાથ પર ફરતાં હતાં : બંને બાળકોને મુંબઈમાં કોઈએ આશરો આપ્યો ન હતો જેના કારણે બંને બાળકો ફૂટપાથ પર સૂવા મજબૂર બન્યા હતાં. બંને બાળકો જામનગરની ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતાં અને અભ્યાસમાં મન ન લાગતા બંને બાળકોએ ઘર છોડવાનું વિચાર્યું હતું. આખરે બંને બાળકો જામનગર રેલવે સ્ટેશનથી મુંબઈની ટ્રેનમાં બેસી ગયાં હતાં.
બાળકના અપહરણ અંગેની ફરિયાદ : ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લાના વતની અને હાલ જામનગર નજીક દરેડ જીઆઇડીસી ખાતે રહેતા સુનિલ રામઅવધ ભારદ્વાજે અજાણ્યા ઇસમો સામે પંચકોશી બી ડિવિઝનમાં આઇપીસી કલમ-363 હેઠળ બાળકના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો બાળક અને તેની સાથે અન્ય એક બાળક ગુમ થતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જેમાં કાયદેસરના વાલીપણામાંથી બાળકોના અપહરણની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ફરિયાદ લીધી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે બાળકોની શોધખોળ શરુ કરી હતી. જેમાં બાળકો મળી આવતાં પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો.