જામનગર : જામનગરના એરપોર્ટ ગેટ નજીક કલરકામ કરતી વેળાએ વીજ શોક લાગતા એક યુવાન સળગીને ભડથુ થઇ ગયો હતો. જયારે અન્ય બે કારીગર દાઝી જતા 108 મારફત સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવા કાર્યવાહી કરવામાં આવી હતી.
બે યુવકો ગંભીર રીતે દાઝી ગયાં : જાણવા મળતી વિગત મુજબ જામનગર એરપોર્ટ નજીકના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમ્યાન આજે એક દુર્ઘટના સર્જાઇ હતી. અહીં કલરકામની કામગીરી દરમ્યાન એક શ્રમિકને હેવી વીજ લાઇનમાંથી વીજળીનો આંચકો લાગતા શરીરે સખત રીતે દાઝી જતા કરૂણ મોત થયુ હતું. જયારે અન્ય બે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બનાવના પગલે ઘડીભર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
કલર કામ કરતી વખતે ઘટના બની : કલરકામના કારીગરોને વીજ શોક લાગવાની ઘટનાની જાણ થતાં પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ, પોલીસ સહિતની ટુકડીઓમાં દોડધામ મચી ગઇ હતી. ખરેખર બનાવ કેવી રીતે બન્યો એ સહિતની વિગતો ટુકડીઓ દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ટુકડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ : વીજ પોલ અને કમાનના ભાગે કલરકામ ચાલી રહ્યુ હતું ત્યારે બે મહિલા સહિતના ચાર શ્રમિકો કામ કરી રહ્યા હતાં. એ વખતે લોખંડનો ઘોડો ખસેડીને લઇ જતી વેળાએ ઉપરથી પસાર થતી હેવી વીજ લાઇનને લોખંડનો ઘોડો અડી જતા ર્સ્પાક થયો હતો અને આ વેળાએ ઘોડો ખસેડી રહેલા શ્રમિકને જોરદાર વીજ આંચકો લાગતા સખત રીતે સળગી જતાં મૃત્યુ થયુ હતું. જયારે અન્ય બેને આંચકો લાગતા ફેંકાઇ ગયાં હતાં. એક મહિલાનું આ દ્રશ્ય જોઇને બીપી લો થઇ ગયુ હતું, બીજી બાજુ બનાવની જાણ થતા એરપોર્ટ ઓથોરીટીની ટીમ, પંચ-બી, વીજ ટીમ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.