જામનગર : આજરોજ જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ રૂ. 158 કરોડ 74 લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આજની સ્ટેન્ડીંગ કમિટીમાં કુલ 29 વિકાસકામોને એજન્ડા આઈટમ તરીકે નિર્ણય માટે લેવામાં આવ્યા હતા. જાણો સંપૂર્ણ વિગત...
JMC સ્ટેન્ડિંગ કમિટી બેઠક : આજની બેઠકમાં નિર્ણય માટે મૂકવામાં આવેલ બેઠકમાં અમૃત 2.0 ની ગ્રાન્ટ હેઠળ વોર્ડ નં. 6-7 નાઘેડી વિસ્તાર, વોર્ડ નં. 16 કર્મચારીનગર અને વોર્ડ નં. 11-12 હાપા વિસ્તાર ખાતે ભૂગર્ભ ગટર પાઇપલાઇન નેટવર્કના કામો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા અંગે સૈધ્ધાંતિક સ્વીકાર, વોર્ડ નં. 16 માં ધોરીવાવ ગામ સુધી અને આર્શીવાદ દીપ સોસાયટી પાસે રોડને સી.સી. રોડ બનાવવા અંગે તથા વોર્ડ નં. 5 પાયલોટ બંગલાથી પંચવટી માનસરોવર એપાર્ટમેન્ટ સુધી ગૌરવપથ બનાવવા અંગે મંજૂરી આપવામાં આવી છે.
158 કરોડના વિકાસકાર્યોને મંજૂરી : આ ઉપરાંત વોટર ટેન્કર મારફત પાણી વિતરણના કામ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અંગે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ભુજીયા કોઠા રેસ્ટોરેશન આનુષંગિક ખર્ચ, અલગ-અલગ ઝોનમાં ભૂગર્ભ ગટર સંબંધી ફરિયાદોનો નિકાલ અંગેનો ખર્ચ, પુષ્કરધામ સોસાયટીમાં સી.સી. રોડ બનાવવાનું કામ અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામોને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત 20 એમ.એલ.ડી. નવો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાલપુર બાયપાસ રોડ કીર્તિ પાનથી આગળ રાજનગર પાસે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ટેન્ડર કમિટીનું ગઠન : આ ઉપરાંત ટેન્ડર કમિટીના સભ્યોની નિમણુંક પણ કરવામાં આવી હતી. જેમાં ધર્મરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ સભાયા, કિશનભાઈ માડમ અને મનિષભાઈ કટારીયાનો સમાવેશ થાય છે. જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યને વેગ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. આ નિર્ણય અંતર્ગત મુખ્યત્વે રૂપિયા 85 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવશે. ઉપરાંત જામનગર શહેરમાં શરૂ સેકશન રોડને ગૌરવ પથ રોડ બનાવવામાં આવશે. આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.