જામનગર: ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે.જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે.દ્વારકામાં આર્મી તૈનાત ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે.ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે.
સાત જિલ્લામાં રેસક્યુઃ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના સાત જિલ્લામાં સાગરકાંઠે વસતા વીસ હજારથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. કચ્છમાંથી 8000થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. જ્યારે 2 લાખથી વધારે પશુઓને સલામત સ્થળે લઈ જવાયા છે. વાવાઝોડની ગંભીરતાને ધ્યાને લઈ રેલવે વિભાગે અનેક ટ્રેન રદ્દ કરી દીધી છે. અમુક ટ્રેનના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે. એસટીની બસ પણ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. કચ્છ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ કરી દેવાઈ છે. જે વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે ત્યાં માલગાડીનું પરિવહન પણ રોકી દેવાયું છે.
ખોડલધામ મંદિરને બે દિવસ માટે બંધ: જેતપુર તાલુકાના કાગવડ ગામ ખાતે આવેલા ખોડલધામ મંદિરને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખોડલધામ તરફથી કરેલી જાહેરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે મંદિરમાં દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ તેમજ સરકારના નિયમ અનુસાર આગામી તારીખ 14 અને તારીખ 15 જુનના રોજ ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.