જામનગર: મનપાના મેયરના કાર્યકાળની મુદત 12 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. જામનગરમાં આગામી મેયર કોણ બનશે ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી અઢી વર્ષ સમયગાળામાં મેયર માટે અનામત બેઠક પર ભાજપના 3 મુખ્ય દાવેદારો રેસમાં છે.
સંભવિત ભાજપી ઉમેદવારોઃ વોર્ડ નં.-16ના નગરસેવક વિનોદભાઈ ખીમસુરીયા, વોર્ડ નં.-10ના નગરસેવક મુકેશભાઈ માતંગ જ્યારે વોર્ડ નં.-15ના નગરસેવક જયંતીભાઈ ગોહિલ મેયરની રેસમાં સામેલ છે.ભાજપના અનુસૂચિત જાતિના આ 3 નગરસેવકો જામનગરના મેયર બની શકે છે.ભાજપ આ ત્રણ નગર સેવકોમાંથી એક નગરસેવક પર પસંદગીનો કળશ ઢોળશે તેવી સંભાવના છે. જામનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગીમાં જ્ઞાતિ સમીકરણ પણ કામ કરશે.
અનામત બેઠકઃ મેયરની બેઠક એસસી અનામત છે તો ડેપ્યુટી મેયરની બેઠક સવર્ણ જ્ઞાતિમાંથી કોઈને ફાળે જઈ શકે છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે અનેક દાવેદાર છે. જોકે પાર્ટીને વફાદાર અને પાર્ટીના કહ્યાગરા રહેનારને તક મળવાની શક્યતાઓ વધુ સેવાઈ રહી છે, કારણકે જામનગરના રાજકારણમાં થોડા દિવસો પહેલા ભાજપની ચૂંટાયેલા મહિલાઓ વચ્ચે થયેલા વિવાદને પરિણામે હોબાળો મચ્યો હતો.
વિવાદ બાદ રાજકીય સમીકરણો બદલાયાઃ જામનગરમાં ત્રણ મહિલા નેતાઓ વચ્ચે થયેલા શાબ્દિક વિવાદ બાદ હવે કઈ લોબીના ક્યા મુરતિયાને તક મળે તે આવનારો સમય જ કહેશે. જોકે આ શાબ્દિક વિવાદ અગાઉ જ અમુક નામો નક્કી કરી લેવામાં આવ્યા હોવાની ખબર પણ છે. વિવાદ બાદ રાજકીય સમીકરણો બદલાયા છે અને નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતા છે.