જામનગર/ખંભાળીયાઃ સગાઈ કરવા ગયેલો પરિવાર પરત આવતા યમનું તેડું આવ્યું હોય એવો કિસ્સો સામે આવ્યો છે. જામનગર ખંભાળીયા હાઈવે પર કારની ટક્કર થતા ચાર વ્યક્તિઓ મૃત્યું પામ્યા છે. ગ્રામ્ય વિસ્તાર એવા ખટીયા ગામના પાટીયા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત જીવલેણ બની ગયો હતો. મોરબી જિલ્લમાં રહેતા ખાણધર પરિવારમાં સારો પ્રસંગ હતો. પુત્રની સગાઈ હેતું પરિવાર ખંભાળીયા ગયો હતો. જ્યાંથી જામનગર બાજું પરત આવતા અને મોરબી તરફ જતા સમયે જાણે યમનું એલાન થયું હોય એવી રીતે ગોઝારી ઘટના બની હતી.
સામેથી કાર આવીઃ પુત્રની સગાઈ કરીને પરિવાર જ્યારે જામનગર આવી રહ્યો એ સમયે સામેના ટ્રેક પરથી વીજગતિએ આવી રહેલી વોક્સવેગન કાર ડિવાઈડર કુદાવીને બીજા ટ્રેક પર આવી ગઈ હતી. જેના કારણે સ્વિફ્ટ કારમાં જઈ રહેલા પરિવારની કાર ફંગોળાઈ હતી. સ્વિફ્ટ કાર સાથે આ કાર ધડાકા સાથે અથડાતા ચાર વ્યક્તિઓનું પ્રાણ પંખીરૂ ઊડી ગયું હતું. જેમાં ચેતન ખાણધર (જેની સગાઈ હતી એ), મનીષાબેન, રીનાબેન તથા અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે ભૂદરભાઈ ખાણધર, ફલક પ્રવીણભાઈ હડીયલ, હેતવી નરેન્દ્રભાઈ ખાણધર, નેહલ ચુનીલાલ હડીયલને ગંભીર ઈજા થતા જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ
કોની કાર છેઃ જે વૉક્સવેગન કાર સ્વિફ્ટ સાથે અથડાઈ છે એ કારના માલિકનું નામ જીત કનખરા હોવાનું સામે આવ્યું છે. આ જીવલેણ અકસ્માતમાં એમને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આસપાસમાંથી સ્થાનિકો મદદ હેતું દોડી આવ્યા હતા. જ્યારે સ્વિફ્ટ કારનો આગળનો ભાગ પડીકું થઈ ગયો હતો.