જામનગરઃ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલે પુષ્કળ વરસાદથી અનેક ડેમ છલકાયા હતા. ભારે વરસાદની સ્થિતિમાં જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો ફસાયા હતા. જેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. તો અનેક નીચાણવાળા વિસ્તારના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં કાલાવડ તાલુકાના નિકાવામાં તંત્ર દ્વારા 65 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
- અવિરત વરસાદના કારણે જામનગરમાં ડેમ થયા ઓવરફ્લો
- નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા
- કાલાવાડ તાલુકમાં NDRFની ટીમ દ્વારા 65 લોકોને સલામત સ્થળે ખસેડાયા
- પાણીમાં ડૂબતા લોકોની જાણ થતાં તંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
- જોડીયા ગામે 305 વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઇ જવાયા
- જામનગર હાઇ-વે વચ્ચે લાલપુર ગામે આવતી ઢાંઢર નદી થઈ ઓવરફ્લો
કાલાવાડ શહેરમાં મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં 30 વ્યક્તિઓને સ્થળાંતરિત કરાયા છે. આ સાથે જ કાલાવડના નાની વાવડીમાં એક વ્યક્તિના પાણીમાં તણાવાની માહિતી મળતા સ્થાનિક તરવૈયાની મદદથી વહીવટીતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર તાલુકામાં ધ્રાંગડામાં 5 વ્યક્તિઓ વાડી વિસ્તારમાં ફસાયેલા હતા. જેમને સ્થાનિક તરવૈયાઓની મદદથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તો વાગડીયા ગામે 11 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ ચેલા ગામે 50 વ્યક્તિઓનું સી.ટી.સી કોલેજ ખાતે ફાયરબ્રિગેડની મદદથી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જોડિયા તાલુકાના બાદનપરના નવ વ્યક્તિઓ તથા જોડિયાના 60 વ્યક્તિઓનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે. તેમજ જોડીયા ગામે 305 વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે.
NDRFની ટીમ દ્વારા ધ્રોલ તાલુકાના નથુવડલા વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 2 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા. આમ, પુષ્કળ વરસાદમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિસ્તારના લોકોને બચાવી સલામત સ્થળે ખસેડી લોકોના જાનમાલને બચાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેકનીય છે કે, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં જોડિયાથી જાંબુડા પાટીયા હાઈવે ભારે વરસાદના કારણે નુકસાન થયું હતું. જેના પગલે લાલપુર તાલુકામાં પોરબંદર,લાલપુર, જામનગર હાઇ-વે વચ્ચે લાલપુર ગામે આવતી ઢાંઢર નદી ઓવરફ્લો થતાં લાલપુર ગામમાંથી પસાર થતો હાઈવે હાલ બંધ કરાયો છે. વૈકલ્પિક ધોરણે તેના માટે લાલપુર બાયપાસ ચાલું છે. જ્યારે જામનગર શહેર તાલુકામાં લાલપુર બાયપાસ નજીક આવેલા જામનગર-સમાણા હાઇવે હાલ બંધ કરવામાં આવ્યાં છે.
ચોમાસાની ઋતુ દરમિયાન હાલ સુધીમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 31 ઇંચ, જામજોધપુર તાલુકામાં 23 ઇંચ, લાલપુર તાલુકામાં 22 ઇંચ, ધ્રોલ તાલુકામાં 18 ઇંચ, જામનગર તાલુકામાં 14.48 ઇંચ અને જોડીયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ હજુ પુષ્કળ વરસાદની આગાહી છે, ત્યારે કલેકટર દ્વારા જામનગરના લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને તંત્રને સહયોગ આપવા અપીલ કરાઇ છે.