જામનગર: જિલ્લામાં ભારે વરસાદ પડતા સ્થિતિ ખરાબ બની છે. Etv ભારત પર ગત 16મી ઓગષ્ટે કાલાવડ તાલુકાના ખેડૂતોના પ્રશ્નનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કલાવડ તાલુકાના 10 જેટલા ગામમાં ભારે વરસાદ પડતા ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે.આમ કાલાવડ તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા રામપર રવેચીયા ગામ ખાતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવવા માટે ETV BHARATની ટીમ પહોંચી હતી.
પંથકમાં મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જામનગરના કાલાવડ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં મોસમનો 200 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે મહિનાથી ખેડૂતો પોતાની વાડીએ પણ જઈ શકતા નથી. કારણ કે, ખેતરોમાં હજૂ ગોઠણસમા પાણી ભરેલા છે.
જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ મોંઘા બિયારણો ખરીદી અને વાવેતર કર્યું છે. જો કે, વધુ વરસાદને કારણે મોટાભાગની મગફળી પીળી પડી ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે. આવા સમયે ખેડૂતો માગ કરી રહ્યા છે કે, તાત્કાલિક સર્વે કરી વળતર આપવામાં આવે.