જામનગર: સમગ્ર દેશમાં લોકડાઉન-4ની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે લોકો માટે સુરક્ષા કરી રહેલા પોલીસકર્મીઓ માટે જામનગરમાં નેસ્લે કંપની દ્વારા હેલ્થડ્રીંકનું વિતરણ કરવામાં આવ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા હેલ્થડ્રીંકના 1344 પેકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ અંગે રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે કોરોના વાઇરસની મહામારીમાં સપડાયું છે, ત્યારે પોલીસકર્મીઓ પોતાના સ્વાસ્થ્યને, પોતાના જીવને જોખમમાં મૂકીને સતત કાર્ય કરી રહ્યા છે. નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા આ પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમના માટે જે હેલ્થડ્રીંક પેકેટ અર્પણ કરાયા છે તે માટે નેસ્લે કંપનીના પ્રશંસનીય પગલા બદલ તેમને ખૂબ અભિનંદન પાઠવું છું.
આ તકે DYSP એ.પી.જાડેજાએ નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીસકર્મીઓ પ્રત્યેના સંવેદનશીલ અભિગમને જોઈને આભાર વ્યક્ત કર્યો હતો.