જામનગર : હાલમાં ગણેશોત્સવના દિવસોમાં જામનગરમાં પણ ઘણા સ્થળે ગણપતિ પંડાલમાં ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના થયેલી જોવા મળે છે. ભક્તો ગણપતિને આરતી બાદ અવનવી વાનગીઓ પ્રસાદ તરીકે અર્પણ કરી રહ્યાં છે ત્યારે જામનગરમાં ગણેશ પંડાલમાં 11000 લાડુનો પ્રસાદ ધરાવાયો હોવાનું જાણવા મળ્યું છે.
કોણે ધરાવ્યા આટલા બધા લાડુ : જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર ચારમાં મકવાણા સોસાયટી આઝાદ ચોક વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સતત 20માં વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ભગવાન ગણેશજીને 11,000 મોદકનો પ્રસાદ ધરવામાં આવ્યો છે. રાત્રિના સમયે મહાઆરતી પછી પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવશે.
250 કિલો ભૈળકુ વપરાયું : જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર 4 મકવાણા સોસાયટી, આઝાદ ચોક વિસ્તારના 300થી વધુ રહેવાસીઓ કે જેમાં 150 થી વધુ બહેનો અને બાળકો પણ જોડાયેલા છે. તે તમામ દ્વારા એકત્ર થઈને ગણપતિ જેના મહાપ્રસાદ મોદક તૈયાર કરવામાં આવ્યા છે. જેના માટે 250 કિલો ભૈળકુ મિશ્રિત કરાયું હતું. જેમાં 60 કિલો ઘી 12 કિલો તેલના ડબ્બા 40 કિલો ડ્રાયફ્રુટ અને મિનરલ વોટર વગેરેનું મિશ્રણ કરી ગઈકાલે રાત્રેથી લાડુ બનાવવાનું શરૂ કરાયું હતું. અને આજે સવાર સુધીમાં 11000 લાડુ બનાવી લેવામાં આવ્યા છે પછી ગણપતિજીને મહાપ્રસાદ તરીકે ધરવામાં આવ્યા છે.
મહાઆરતી બાદ થશે પ્રસાદ વિતરણ : જય અંબે મિત્ર મંડળ દ્વારા સાંજે મહાઆરતી કર્યા પછી તેનું સમગ્ર ગણેશ ભક્તોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આમ જામનગરમાં સતત 20માં વર્ષમાં આ પરંપરા જાળવી રાખવામાં આવે છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી અહીં નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે ગણપતિ મહોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 11,000 જેટલા લાડુ ભગવાન ગણપતિને ધરવામાં આવ્યા છે. ખાસ કરીને સોસાયટીની મહિલાઓ અને પુરુષો લાડુ બનાવવામાં મદદરૂપ થાય છે, તેમજ બાળકો પણ હેલ્પ માટે આગળ આવ્યાં છે...ધર્મરાજસિંહ જાડેજા (જય અંબે મિત્ર મંડળ)
ભગવાન ગણપતિ પ્રત્યે અનન્ય ભાવ : સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં ભગવાન ગણપતિને પ્રિય એવા મોદક 11000 જેટલી મોટી સંખ્યામાં ધરવામાં આવ્યા છે તે ભક્તોનો ભગવાન ગણપતિ પ્રત્યે અનન્ય ભાવ પણ દર્શાવી રહ્યો છે. મકવાણા સોસાયટી ઉપરાંત અન્ય સોસાયટીના લોકો પણ ભગવાન ગણપતિજીના દર્શન કરવા માટે અહીં મોટી સંખ્યામાં ઉમટે છે.