- વાલસુરામાં એડમિરલને ગાર્ડ ઓફ ઓનર
- એડમિરલ ભારતીય નૌસેનાની અગ્રણી તાલીમ સંસ્થા INS વાલસુરાની મુલાકાતે
- એડમિરલે ટેકનોલોજીના ક્ષેત્રમાં વધારવામાં આવેલી તાલીમ સુવિધાઓની પ્રશંસા
જામનગરઃ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સધર્ન નેવલ કમાન્ડ, વાઇસ એડમિરલ અનિલકુમાર ચાવલા PVSM, AVSM, NM, VSM, ADC અને સપના ચાવલા, નેવી વાઇવ્સ વેલફેર એસોસિએશન (દક્ષિણ પ્રાંત) [(NWWA) (SR)]ના પ્રમુખ 15થી 17 ડિસેમ્બર 2020 દરમિયાન ભારતીય નૌસેનાની અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થા INS વાલસુરાની મુલાકાતે આવ્યા હતા. 16 ડિસેમ્બર 2020ના રોજ પુષ્પાંજલી કાર્યક્રમ પછી, અહીં એડમિરલને 50 મેન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પોતાની બે દિવસની મુલાકાત દરમિયાન FOC-in-C (દક્ષિણ)એ આ સંસ્થામાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ અને તાલીમ સુવિધાઓની સમીક્ષા કરી હતી.

તાલીમ અને કૌશલ્યોની કાર્યદક્ષતાની સમીક્ષા
તાલીમાર્થીઓને આપવામાં આવી રહેલી તાલીમ અને કૌશલ્યોની કાર્યદક્ષતાની સમીક્ષા કરતી વખતે, એડમિરલે ઇલેક્ટ્રિકલ, શસ્ત્રો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં વધારવામાં આવેલી તાલીમ સુવિધાઓની પ્રશંસા કરી હતી. ફ્લેગ ઓફિસરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા તેમજ એનાલિટિક્સના વિશિષ્ટ ક્ષેત્રમાં એકમ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલની પણ પ્રશંસા કરી હતી. વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા દરમિયાન, FOC-in-C (દક્ષિણ)એ 36 સિંગલ DSC એકોમોડેશન 'ચંદ બ્લોક'નું ઉદ્ઘાટન કર્યું હતું. જેનું નામાભિધાન સિપાહી જગદીશ ચંદ, કિર્તિ ચક્ર (મરણોત્તર) પરથી રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત, 8 સિંગલ ઓફિસર્સ એકોમોડેશનનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રમુખ સપના ચાવલા દ્વારા મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો
NWWA (દક્ષિણ પ્રાંત)ના પ્રમુખ સપના ચાવલાએ NWWA (વાલસુરા)ની મહિલાઓ દ્વારા યોજવામાં આવેલા મિલન કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ અને સામુદાયિક જીવન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપસ્થિતોને સંબોધતી વખતે, તેમણે કસોટીના સમયમાં એકજૂથ રહેવાની લાગણીને વધુ મજબૂત કરવા બદલ તમામ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને પોતાના રસના વિષયોમાં જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સપના ચાવલાએ અહીં સંખ્યાબંધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અહીં લોકોના જીવનની ગુણવત્તામાં વધારો કરશે. આમાં, 'દ્વારિકા' નામનું ત્રણ માળનું શોપિંગ સેન્ટર, નવું સમુદ્રી કોમ્પલેક્સ, નેવલ કિન્ડર્સગાર્ડન ખાતે નવો સૌંદર્ય અને ઑડિયો વિઝ્યુઅલ રૂમ પણ સામેલ છે. એડમિરલ અને NWWA (SR)ના પ્રમુખ રંગારંગ વાલસુરા દિવસની ઉજવણીના પણ સાક્ષી બન્યા હતા. તમામ કાર્યક્રમો દરમિયાન કોવિડના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.