જામનગર જિલ્લા વહીવટીતંત્રએ સોમવારથી બેઠકનો દોર શરૂ કરી દીધો છે, જેમાં તમામ એજન્સીઓને પણ એલર્ટ કરવામાં આવી છે. હાલમાં જામનગરમાં 2 NDRFની ટીમ અને જોડિયામાં 1 NDRF ટીમને તૈનાત કરવામાં આવી છે. સાથે જિલ્લાના 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અહીંથી 70 હજાર જેટલા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
વાયુ વાવાઝોડાના પગલે દરિયા કિનારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના કર્મચારીઓ તૈનાત થઈ ગયા છે. સાથે જ NDRFની ટીમ પણ ખડેપગે છે. મહત્વનું છે કે, વાયુ વાવાઝોડું આવતીકાલ સુધીમાં જામનગર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલ તો જામનગરના દરિયામાં કરન્ટ પણ જોવા મળતો નથી અને પવનની ગતિ પણ ધીમી છે, પરંતુ વાયુ વાવાઝોડાનો પ્રકોપ આવતીકાલે જોવા મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
વાવાઝોડાની જાણકારી મળતા જ જામનગર જિલ્લા કલેકટરે સોમવારે તાકીદેની બેઠક બોલાવી તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી અને સેના સાથે પણ કોર્ડીનેશન કર્યુ છે. દરિયામાં ગયેલી 100 જેટલી બોટને પણ પરત બોલાવી લેવાઈ છે. હાલ તમામ બોટને બેડી બંદર ખાતે લગાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વેરાવળથી 930 કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના વર્તાઈ રહી છે. જેથી કાંઠાના તમામ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ થશે તેવી સૂચના આપવામાં આવી છે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર જણવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સાથે જ લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ, NDRF, SDRF ની ટુકડીઓને પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર કરવામાં આવી છે.