- 10 મહિના બાદ ફરી સ્કૂલો ખુલ્લી
- વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ
- સ્કૂલમાં કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન
જામનગર : શહેરમાં 10 મહિના બાદ ફરી સ્કૂલો ખુલ્લી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શાળા ખુલવાને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા હોવાના કારણે ઓનલાઇન અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ વ્યવસ્થિત ભણી ન શકતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.

પ્રધાન હકુભા જાડેજા રહ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત
જામનગરમાં આર્ય સમાજ ખાતે આવેલી દયાનંદ સરસ્વતી સ્કૂલમાં રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી એચ.એલ.ડોડિયાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી જણાવ્યું કે, જામનગરની તમામ સ્કૂલમાં કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. એ પ્રમાણે જ વાલી તથા વિદ્યાર્થીઓની સંમતિથી તમામ સ્કૂલો ખુલ્લી રાખવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ
જોકે, ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી કંટાળ્યા હતા અને હવે તેઓ સ્કૂલના ખંડ રૂમમાં ઓફલાઈન શિક્ષણ લેશે.