જામનગરઃ જામનગર દિગ્જામ વુલન મિલના કામદારો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કામદારો વિવિધ માંગણીઓ લઈને ધરણાં કરી રહ્યાં છે. જામનગરનું પ્રખ્યાત દિગજામ મિલ દોઢ વર્ષથી બંધ હાલતમાં છે. જેના કારણે કામદારો માનસિક તેમજ આર્થિક રીતે સંકળામણ ભોગવી રહ્યા છે.
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા એક કામદારની પત્નીએ આર્થિક સંકડામણને કારણે આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારે કામદારો માંગણી કરી રહ્યા છે કે તેમનો 18 માસનો એલાઉન્સ તેમજ બે વર્ષનું પીએફ અને 11 માસનો પગાર સાથે સાથે બે વર્ષનું બોનસ આપવામાં આવે. કામદારોએ રજૂઆત કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આખરે લાલ બંગલા સર્કલ ખાતે આજ રોજ ધરણા યોજી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
મહત્વનું છે કે, કામદારોની માંગણીઓને જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અવારનવાર જલદ કાર્યક્રમ આપશે અને દિગ્જામ મિલ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે. આજરોજ મોટી સંખ્યામાં કામદારો ધરણાં કાર્યક્રમમાં જોડાયા છે.