જામનગર: અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનને લીધે તારીખ 24 ઓક્ટોબર સુધી દરિયામાં 'તેજ' નામના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં વાતાવરણ બદલાવથી સર્જાયેલા 'તેજ' વાવાઝોડા માટે ભારતીય હવામાન વિભાગે સતર્ક રહેવાની આગાહી કરી છે. જામનગરના દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિતના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે. દરિયામાં માછીમારી કરી રહેલા માછીમારોને પણ સાવધાન કરવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વાવાઝોડાનો કરંટ: જામનગરના બેડી બંદર ખાતે ગઈકાલે સંભવિત વાવાઝોડાના પગલે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું . તો આજરોજ બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડામાં ખેડૂતોના પાકને પણ નુકસાન થાય તેવી શક્યતા છે. જો કે ખેડૂતોએ પોતાની જડસી યોગ્ય જગ્યાએ રાખવા માટે વ્યવસ્થા કરવી જોઈએ જેના કારણે નુકશાન ઓછું થાય. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. જોકે જામનગર ના દરિયામાં પણ વાવાઝોડાનો કરંટ જોવા મળી રહ્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાયું: હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને અરબ સાગરના દક્ષિણ-પશ્ચિમ દરિયામાં દૂર સુધી ખેડાણ ન કરવા અંગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે 'તેજ' વાવાઝોડા સાથે બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવા અંગે આગાહી કરી છે. 'તેજ' વાવઝોડાના કારણે ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે. નવરાત્રીનો તહેવારમાં વાવાઝોડાથી કોઈ અડચણ સર્જાશે નહીં તેવો હાલ વર્તારો છે. હવામાન વિભાગ પ્રમાણે હાલનું લો-પ્રેશર તારીખ 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં આવા પ્રકારના વાવાઝોડાની આગાહી કરી હતી.