જામનગર: રાજ્ય પર સંભવિત બિપરજોય વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે. જામનગર જિલ્લો રેડ એલર્ટ પર છે. સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડા સંદર્ભે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જામનગરની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાંઓ લેવાઈ રહ્યા છે. જેના ભાગરૂપે 73 પ્રસુતાઓનું આરોગ્ય કેન્દ્રો ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
લોકોના આરોગ્યને લગતી તમામ કાળજી: જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને આફતનો સામનો કરવા સજ્જ કરાઈ રહ્યા છે. રેપીડ રિસ્પોન્સ મેડિકલ ટીમ તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દરિયાકાંઠાના ગામોમાં ફરી નાદુરસ્ત લોકોના આરોગ્ય તથા આશ્રયને લગતી તમામ કાળજીઓ લઈ રહી છે. જિલ્લા આરોગ્યની ટીમે આજ રીતે તમામ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પહોંચી આગામી અઠવાડીયા દરમિયાન જે સગર્ભાઓની પ્રસૂતિ થવાની હોય તેવી 73 બહેનોને દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારમાથી સ્થળાંતરિત કરી પ્રસૂતિ થઇ શકે તેવા નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી એમ્બ્યુલન્સ મારફતે રીફર કરેલ છે.
9 સગર્ભા બહેનોની સફળ પ્રસુતિ: આરોગ્ય કેન્દ્ર ખાતે જ્યાં 24x7 ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તેઓની પૂર્વ પ્રસૂતિ અંગેની સતત કાળજી રાખી રહ્યા છે. અને તમામ જીવન જરૂરી આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન 73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવેલ છે.અને તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પાડવામાં આવેલ છે.
70 હજાર લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી: જામનગર પંથકમાં કંપનીઓમાં પરપ્રાંતીય મજૂરો મોટી સંખ્યામાં રહે છે અને તેઓ પતરાવાળા મકાનમાં રહેતા હોય છે. જેના કારણે આ મકાનો વાવાઝોડામાં ક્ષતિ ગ્રસ્ત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા 70 હજાર જેટલા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. સ્થળાંતરની કામગીરીના ભાગરૂપે દરિયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારોમાથી 73 પ્રસુતાઓને સ્થળાંતરિત કરી નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરાયાં હતા. 73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ કરાવી સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પાડવામાં આવ્યું છે.