જામનગર : સ્વચ્છ ભારત અભિયાનના સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા વિશાલ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવેલ છે. સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના પાવન આશીર્વાદ દ્વારા નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજની 66 મી જન્મજયંતીના અવસરે તેમને શ્રધ્ધાજંલિ આપવા હેતુ દેશભરના 400 શહેરોમાં 1166 જેટલી સરકારી હોસ્પિટલોમાં સફાઈ કરવામા આવશે.
આ અભિયાનમાં લગભગ 2 લાખ જેટલા સ્વંયસેવકો , સેવાદલના સભ્યો તેમજ અન્ય સક્રિય કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુઓ ભાગ લેશે. જામનગર તથા દ્વારકા અને જામ ખંભાલીયાની હોસ્પિટલોમાં સફાઈ અભિયાનનું શુભારંભ પ્રાથર્ના દ્વારા સવારે 8:00 વાગ્યે થશે.
આ સાથે જ ઉપસ્થિત સ્વંયસેવકો સફાઈનો પ્રારંભ કરશે. તેમજ સ્થાનિય સંયોજક મનહરલાલ રાજપાલજીએ આ અભિયાનની માહિતી આપતા જણાવ્યું કે, 23 ફેબ્રુઆરી 2020ના રોજ જામનગર શહેરમાં વિકાસ ગૃહ રોડ સ્થિત સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલ પર સવારે 8:00 થી 10:30 સુધી ખંભાલીયામાં સરકારી હૉસ્પિટલમાં સવારે 8:00 થી 10:30 સુધી તેમજ દ્વારકાની સરકારી હૉસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 સુધી સફાઈ કરવામાં આવશે.
તેઓના જણાવ્યા અનુસાર સંત નિરંકારી મિશન 2003 થી દર વર્ષે નિરંકારી બાબા હરદેવસિંહજીના જન્મદિવસ 23 ફેબ્રુઆરીના દિવસે દેશભરમાં સ્વચ્છતા અભિયાન યોજે છે.