- કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે કાલાવાડ તાલુકાના ખેડૂત પરિવારોને અકસ્માત વીમા યોજના હેઠળ ચેક અર્પણ કરાયા
- નિકાવા તથા એ.પી.એમ.સી. કાલાવાડ ખાતે કાર્યક્રમો યોજાયા
- એ.પી.એમ.સી કાલાવાડ દ્વારા તાલુકાના દરેક ખેડૂતને રૂ.5 લાખનો અકસ્માત વીમો
- રૂ.5 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યાજામનગર
જામનગર: એ.પી.એમ.સી.કાલાવાડ દ્વારા તાલુકાના અંદાજિત 78000 જેટલા ખેડૂત ખાતેદારો, માર્કેટીંગ યાર્ડના વેપારીઓ, મજૂરો, કર્મચારીઓ અને સભ્યશ્રીઓ માટે અકસ્માત વીમા યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ 5 લાખની વીમા પોલીસી લેવામાં આવેલી છે. જો કોઈ ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય તો વિમાની રકમ ખેડૂત પરિવારનો આધાર બની શકે તે સંવેદના સાથે એ.પી.એમ.સી દ્વારા આ પોલીસી કાર્યરત છે.
ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય તો વીમો આપવામાં આવશે
ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત નિકાવા ખાતે પાતામેઘપર, નાના વડાળા અને નિકાવા ગામના ૩ લાભાર્થીઓને તેમજ કાલાવાડ નવા એ.પી.એમ.સી ખાતે નાની વાવડી, શનાળા, વજીર ખાખરિયા અને બાંગા ગામના 4 લાભાર્થીઓને કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુના હસ્તે રૂ.5 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, કાલાવાડ તાલુકાના કુલ 7 ખેડૂત લાભાર્થી પરિવારોને કુલ રૂ.35 લાખની રકમના ચેક આપવામાં આવ્યા હતા.

કાલાવાડ તાલુકાના કુલ 7 ખેડૂત લાભાર્થી પરિવારોને કુલ રૂ. 35 લાખની રકમના ચેક આપવામાં આવ્યા
આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઇ ડાંગરિયા, એસ.ટી. નિગમના પૂર્વ ડાયરેક્ટર વલ્લભભાઈ સાંગાણી, એ.પી.એમ.સી. કાલાવાડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા અને ડાયરેક્ટર નરેશભાઈ સિંગલ, સભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ કશ્યપભાઈ વૈષ્ણવ, જિલ્લા ભાજપ નેતા મનોજભાઈ જાની, એ.પી.એમ.સી.ના સભ્ય જમનભાઈ તારપરા, સેક્રેટરી મણીકભાઇ ગધેથરીયા, કાલાવાડ નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, ઉપપ્રમુખ ભુપતભાઇ વિરાણી, સરપંચ નિકાવા રાજુભાઈ મારવીયા, ભાજપ અગ્રણી પી.ડી.જાડેજા તથા પાતામેઘપર, નાના વડાળા, બાંગા, શનાળા, નાની વાવડી, વજીર ખાખરીયા ગામના સરપંચો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.