જૂનાગઢ: ઈકોઝોનને લઈને હવે દરરોજ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. ત્યારે આજે કેન્દ્ર સરકારે જાહેર કરેલા ગેજેટ નોટિફિકેશન અને વન વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકામાં વિરોધાભાસ સામે આવ્યો છે. જેને લઈને 2016થી ઇકોઝન વિરુદ્ધ આંદોલન સાથે જોડાયેલા પ્રવીણ રામે સવાલો ઊભા કર્યા છે.
ઇકોઝોનના નોટિફિકેશન અને માર્ગદર્શિકા સામે સવાલ: કેન્દ્ર સરકાર દ્વારા જુનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોમાં ઇકોઝોન લાગુ કરવાને લઈને નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેને લઇને ખેડૂતો અને સ્થાનિક લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે વર્ષ 2016થી સતત ઇકોઝોનના વિરુદ્ધમાં આંદોલન ચલાવી રહેલા પ્રવીણ રામે ઇકોઝોનનો ગેજેટનોટિફિકેશન અને ગુજરાત વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં વિરોધાભાસ જોવા મળ્યો છે. જેને લઇને તેના પર સવાલો ઊભા કર્યા છે.
નિયંત્રિત અને પ્રોત્સાહિત ગતિવિધિમાં વિરોધાભાસ: પ્રવીણ રામે કેન્દ્ર સરકારના ગેજેટ નોટિફિકેશન અને વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં પ્રોત્સાહિત પ્રવૃત્તિ અને નિયંત્રિત પ્રવૃત્તિની વચ્ચે વિરોધાભાસ હોવાનું જણાવીને વન વિભાગની નીતિ અને નિયત પર સવાલો ઊભા કર્યા છે. વન વિભાગે જે માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં કેટલીક વાતોનો ઉલ્લેખ પ્રોત્સાહિત પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો છે પરંતુ આ જ પ્રકારની પ્રવૃત્તિને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ગેજેટ નોટિફિકેશનમાં નિયંત્રિત પ્રવૃત્તિ હેઠળ રાખવામાં આવી છે જેને કારણે સૌથી મોટો વિરોધાભાસ સામે આવ્યો છે.
ઇકોઝોનના ગેજેટ નોટિફિકેશમાં વિરોધાભાસ: પ્રોત્સાહિત પ્રવૃત્તિમાં કોઈ પણ ખેડૂત કે ગામ લોકો ઈકોસેન્સેટીવ ઝોનમાં તેમની ઈચ્છા મુજબનું કામ કરી શકે પરંતુ નિયંત્રિત કેટેગરીમાં કોઈપણ કામ કરતા પહેલા વન વિભાગની પૂર્વ મંજૂરી કે તેના નિયંત્રણમાં કરવાનો ઉલ્લેખ છે. સૌથી મોટા બે વિરોધાભાસ પર પ્રવીણ રામે સવાલો ઊભા કર્યા છે. નોટિફિકેશન ત્રણ ભાગમાં વિભાજીત થયું છે. જેમાં પ્રથમ ભાગમાં સંપૂર્ણ પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, બીજા ભાગમાં નિયંત્રિત પ્રવૃત્તિઓ અને ત્રીજા ભાગમાં પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ જેને સામેલ કરીને એક ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. જેના પર હવે પ્રવીણ રામ સવાલો ઊભા કરી રહ્યા છે. આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ તાલાલા ખાતે અને સોમવારે સવારે 10:00 કલાકે મેંદરડામાં ખેડૂત સંમેલન અને ટ્રેકટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: